ભરૂચ,
ભરૂચ શહેરમાં છૂટાછેડાના વિવાદે બે મહિલાઓના જીવ લીધેલા ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાની પોલીસે ધરપકડ કરી છે.ભરૂચની કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 10 જૂનના રોજ ભરૂચમાં 70 વર્ષીય ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ પોતાની પુત્રવધૂ અલીફિયા ઝનોરવાલા જે ડૉ. યુસુફ ઝનોરવાલાની પત્ની હતી.તેમજ અલીફિયાની માતા શહેનાઝ નમકવાલાની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.ઘટના બાદ આરોપીએ પોતાને પણ ગળા અને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારથી તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. મંગળવારે રાત્રે હોસ્પિટલ માંથી રજા મળતાં જ બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી હતી અને પોલીસે કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આરોપીએ અલીફિયા ઝનોરવાલાને 44થી વધુ અને શહેનાઝ નમકવાલાને 23 જેટલા ઘા માર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં, બંનેના મૃત્યુ નિપજ્યા બાદ પણ આરોપી તેમના મૃતદેહ પર હુમલો કરતો રહ્યો હોવાનું પોલીસનું કહેવું છે. બીજી તરફ આરોપીએ પોતાના ગળા પર પણ ચપ્પુ મારતાં તેને 17થી વધુ ટાંકા આવ્યા હતા.
પોલીસે રિમાન્ડ અરજીમાં દલીલ કરી હતી કે 70 વર્ષીય વ્યક્તિએ એકલા હાથે આટલી કરપીણ અને ક્રૂર હત્યા અંજામ આપી હોવાની બાબત શંકા ઊભી કરે છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ, હત્યા પહેલાં અને બાદમાં આરોપી કોના સંપર્કમાં હતો, તેમજ સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ ષડ્યંત્ર કે સહયોગી હતા કે નહીં તે દિશામાં તપાસ જરૂરી હોવાથી ચાર દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
તપાસના ભાગરૂપે પોલીસે આરોપીના મોબાઈલ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR), ઘટના પૂર્વે અને બાદના સંપર્કો, તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓની ચકાસણી શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળે મળેલા પુરાવા અને ફોરેન્સિક અહેવાલના આધારે પણ તપાસ આગળ ધપાવી રહી છે.
આ કેસે સમગ્ર ભરૂચ શહેરમાં ભારે ચકચાર મચાવી છે અને હવે પોલીસની તપાસમાં અન્ય કોઈ સંડોવણી સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.




