– ખેડૂતોને નોટીસ ન મળ્યા છતાં કલેકટર દ્વારા કરવામાં આવતા હુકમને રદ્દ કરી રીવ્યુ કરવાની માંગ
– અન્ય જીલ્લામાં આપવામાં આવેલ વળતરની સરખામણીમાં વળતર મળે તેવી માંગ
ભરૂચ,
ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને પાવરગ્રીડ- ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ ઉઠાવવામાં આવી હતી.
આવેદનપત્રમાં ખેડૂતોનો આક્ષેપ હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા.ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા ઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓ માં વળતર માટે અલગ-અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન અને ખાનગી જમીન માટે વળતર નક્કી કરવાની પદ્ધતિમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. ટ્રાન્સમિશન લાઈન અને ટાવરથી થતા નુકસાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે તેમજ ટાવર ફૂટિંગ, સિંચાઈ વ્યવસ્થા, જમીનના ભાગલા, ભવિષ્યના વિકાસની સંભાવના અને જમીનની બજાર ક્ષમતા પર પડતી અસરનો સમાવેશ કરીને “ફુલ કમ્પન્સેશન” આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં કલમ 16(1) બાદ ખેડૂતોની જમીનમાં પ્રવેશ માટે દબાણ અને પોલીસ બળનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની સંમતિ વિના કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તેમજ આવા બનાવોની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય નોટિસ, સમાન વળતર નીતિ, સંપૂર્ણ મૂલ્યાંકન અહેવાલ જાહેર કરવા, ભવિષ્યના વિકાસની સંભાવનાનો વિચાર કરવા અને દબાણાત્મક કાર્યવાહી બંધ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.




