ભરૂચ જિલ્લામાં ૨૩ થી ૨૫ જૂન દરમ્યાન શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ યોજાશે : ૧૦૦ ટકા નામાંકનનો લક્ષ્યાંક

SHARE:

– બાલવાટિકાના ૯૩૫૫ ધોરણ ૧ ના ૫૦૨ ધોરણ ૯ ના ૨૬૦૮૩ અને ધોરણ ૧૧ ના ૧૮૮૪૪ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર

– ઉચ્ચ સનદી અધિકારીઓ, સાંસદ સભ્ય, ધારાસભ્યોની તેની પ્રેરક ઉપસ્થિતિમાં ૮૭૫ પ્રાથમિક શાળાઓમાં બાળકોને શિક્ષણના દ્વારે આવકારાશે

– ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના ઉત્સાહ વચ્ચે શિક્ષણના ગુણાત્મક સુધારા પર વિશેષ ભાર મૂકાશે

ભરૂચ,

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લામાં તા. ૨૩,૨૪,અને ૨૫ જૂન, ૨૦૨૬ દરમ્યાન “પ્રગતિનો પ્રવેશોત્સવ” અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાં પણ ઉચ્ચ સનદી અધિકારીઓ, સાંસદ સભ્ય, ધારાસભ્યોની તેની પ્રેરક ઉપસ્થિતિમાં ૮૭૫ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે.

શિક્ષણના અધિકારને સાર્થક કરવાના ઉમદા હેતુ સાથે યોજાનારા આ મહોત્સવ અંતર્ગત જિલ્લાની કુલ ૮૭૫ પ્રાથમિક શાળાઓ અને ૩૪ જેટલી સરકારી કન્યા કેળવણી પ્રવેશોત્સવલક્ષી માધ્યમિક શાળાઓમાં નવા પ્રવેશ મેળવતા બાળકોને ઉત્સાહભેર આવકારવામાં આવશે. આ ત્રિ-દિવસીય અભિયાનનો મુખ્ય હેતુ બાલવાટિકા અને ધોરણ-૧ માં બાળકોનું ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવાનો તથા શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો લાવવાનો છે.

શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ પૂર્વે પ્રી-એનરોલમેન્ટ અને ‘બેક ટુ સ્કૂલ’ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તમામ પ્રવેશપાત્ર બાળકોનું શાળામાં નામંકન સુનિશ્ચિત કરવા તેમજ શાળા છોડનાર બાળકોને પુનઃપ્રવેશ અપાવી શિક્ષણનો અધિકાર સૌ સુધી પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્ય કક્ષાએથી મંત્રી, સાંસદ સભ્યો, ધારાસભ્યો તેમજ ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.વહીવટી તંત્રના સહયોગ માટે ૪ જેટલા આઈએએસ (IAS) અધિકારીઓ, સચિવાલયના અધિકારીઓ અને શિક્ષણ સેવા વર્ગ-૧ ના ૨ અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રવેશોત્સવની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડશે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ આ અભિયાનમાં સહભાગી થઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવશે.આ વર્ષે ભરૂચ જિલ્લાના ૦૯ તાલુકાઓમાં બાલવાટિકામાં અંદાજિત કુલ ૯૩૫૫ અને ધોરણ-૧ માં ૫૦૨ બાળકો પ્રવેશ મેળવવા પાત્ર છે. આ ઉપરાંત માધ્યમિક સ્તરે ધોરણ-૯ માં ૨૬૦૮૩ અને ધોરણ-૧૧ માં ૧૮૮૪૪ વિદ્યાર્થીઓના નામાંકન માટે સઘન આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ખાસ કરીને ધોરણ ૧ થી ૮ માં ડ્રોપ આઉટ થયેલા બાળકોને શોધીને તેમને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દરેક બાળકને આરટીઈ (RTE) મુજબ શિક્ષણનો અધિકાર મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પરિણામલક્ષી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં કાર્યરત ‘પીએમ શ્રી’ (PM SHRI) શાળાઓના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.

જિલ્લામાં કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા તાલીમ, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તેમજ વિવિધ સ્કોલરશિપ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યો છે.શાળા પ્રવેશોત્સવ દરમ્યાન દિવ્યાંગ બાળકો સામાન્ય શાળામાં શિક્ષણ મેળવે તે માટે ઉચિત વ્યવસ્થા અને દરેક દીકરી શિક્ષણ મેળવે તે માટે સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે અને દરેક તાલુકા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!