(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણીમાં આજરોજ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.
ભરૂચ જીલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.બિલોઠી બેઠક પર ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ યોજાવાની શક્યતા છે.
ભાજપ માંથી કાંતિલાલ વસાવા,આમ આદમી પાર્ટી માંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસ માંથી રણજીત વસાવાએ ઉમેદવારી પત્રો આજરોજ ભર્યા હતા.આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે ચૂંટણી પ્રચાર તેજ બનશે.ચૂંટણી કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.પેટા ચૂંટણીના પરિણામ પર સ્થાનિક રાજકીય પક્ષોની નજર મંડરાઈ રહી છે.




