ભરૂચ,
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ભારે વરસાદના પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે.બુવા ગામેથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસી આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આમોદ તાલુકાના બુવા ગામેથી પસાર થતી ભૂખી ખાડીમાં વરસાદી પાણીનો પ્રવાહ સતત વધતાં, ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી.ખાડીનું પાણી ગામની ભાગોળ સુધી પહોંચી જતાં, ગામ તરફ જતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે તંત્રએ તાત્કાલિક અસરથી ટુ-વ્હીલર, ફોર-વ્હીલર સહિત તમામ નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો.સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સાથે જ લોકોને જોખમ લઈને પાણીમાંથી પસાર ન થવા સતત સૂચના આપવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે ગામનું બસ સ્ટોપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા સતત પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.જો આગામી કલાકોમાં વધુ વરસાદ પડશે તો બુવા ગામ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સ્થાનિકોને બિનજરૂરી અવરજવર ટાળવા, સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.હાલ પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને, લોકોને સાવચેતી રાખવાની ફરી એકવાર અપીલ કરવામાં આવી છે.




