(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના મંગણાદ ગામ ખાતે આવેલી સેફ એનવાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કંપની તરફથી રસ્તા પર પથરાયેલા કાળા અને લીલા રંગના કેમિકલયુક્ત પદાર્થ માંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેમિકલયુક્ત પદાર્થના કારણે આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે,જેના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર પડી રહી છે અને પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકનો વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી.
આ ઉપરાંત, રસ્તા પર ફેલાયેલા ચીકણા કેમિકલયુક્ત પદાર્થને કારણે બાઈકચાલકો સહિત નાના-મોટા તમામ વાહનચાલકો માટે માર્ગ જોખમી બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર સફાઈ અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં અસંતોષની લાગણી વ્યાપી છે.
ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક રસ્તાની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એનવાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને.ઉપરોક્ત આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.




