– બોરભાઠા બેટના નીચાણવાળો વિસ્તાર,બોરભાઠા બેટ, સફરૂદ્દીન ગામ, ગોલ્ડન બ્રિજનો નિચાણવાળા વિસ્તારની મુલાકાત કરી તંત્ર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
ભરૂચ,
હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી અને નદીઓમાં પાણીની વધતી આવકને ધ્યાને રાખીને અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે પગલાં ભરવામાં આવી રહ્યા છે.નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આશયથી તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિવેક ભર્ડીવાલા અને મામલતદારશ્રી આર.ડી. વસાવા દ્વારા સંયુક્તપણે તાલુકાના બોરભાઠા બેટના નીચાણવાળો વિસ્તાર, બોરભાઠા બેટ, સફરૂદ્દીન ગામ, ગોલ્ડન બ્રિજનો નિચાણવાળો વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.
આ સ્થળ મુલાકાત દરમ્યાન અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી.નાગરિકોની સલામતી માટે સુરક્ષા અને સાવચેતીના જરૂરી તમામ પગલાં લેવા બાબતે તંત્ર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત નદીના વધતા જળસ્તર અને પ્રવાહને ધ્યાનમાં રાખીને બોરભાઠા બેટ વિસ્તારના તમામ માછીમારોને હાલની સ્થિતિએ નદીમાં માછીમારી માટે ન જવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીકિનારે જવાનું ટાળવા, સુરક્ષિત સ્થળે રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.




