– 9 ઓગસ્ટ આદિવાસી દિવસે પણ આ જગ્યાએ ધરણા પર બેસવાની આદિવાસીઓએ આપી ચીમકી : જ્યાં સુધી જમીન ખેડવા નહીં દેવાય ત્યાં સુધી હટીશું નહીં.
– ખોપી ગામે પોલીસ ખડકી દેવાઈ : હલગામ, પાડી, દોધનવાડી અને ખોપીના ગ્રામજનો હળ અને બળદ સાથે જંગલની જમીન પર પાક વાવવા પહોંચ્યા હતા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા તાલુકાની જંગલની જમીન પર પાક વાવવાના મુદ્દે વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે.સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ સહિત આગેવાનો દ્વારા જંગલની જમીન પર પાક વાવવાના મુદ્દે ગ્રામજનોને સમર્થન આપવામાં આવ્યા બાદ હવે હલગામ, પાડી, દોધનવાડી, ખોપી સહિત આસપાસના ગામોના ગ્રામજનો એકજૂથ થઈ પાક વાવવા માટે આગળ આવ્યા છે અને હવે ફરી ધારણા પર બેસી ગયા છે.
ગ્રામજનો હળ અને બળદ સાથે જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા.આ દરમ્યાન જમીન પર પાક વાવવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.ગ્રામજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે અને પોતાના હક માટેની લડત ચાલુ રાખશે.બીજી તરફ વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામજનોને જંગલની જમીન પર પાક વાવવાથી રોકવામાં આવ્યા હતા.જેના પગલે ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી જેવી સ્થિતિ પણ જોવા મળી હતી.
ગ્રામજનો પોતાના હક અને જંગલની જમીન પર ખેતી કરવાની મંજૂરીની માંગ સાથે આગળ વધી રહ્યા છે. જ્યારે વન વિભાગ દ્વારા જંગલની જમીન પર નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.હવે આગામી દિવસોમાં ગ્રામજનોની લડત અને વન વિભાગની કાર્યવાહી વચ્ચે વહીવટી તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર છે.




