– એસીબીના હાથે લાંચિયા અધિકારી ઝડપાતા કચેરીમાં કેક કાપી એક બીજાને ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી
– દવાના નવા પરવાનાને મંજૂરી આપવા અરજદાર પાસે 40 હજારની લાંચ લેતા નર્મદા એસીબીએ છટકુ ગોઠવી સફળ ટ્રેપ કરી હતી
ભરૂચ,ભરૂચમાં ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિઅશન દ્વારા કચેરીમાં કેક કાપી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ડ્રગ્સ વિભાગમાં અરજદારે દવાના નવા પરવાના માટે અરજી કરતી હતી.જે પરવાનો આપવા માટે અરજદાર પાસે આસિસ્ટન્ટ કમિશ્નર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈએ લાંચ માંગી હતી.જોકે અરજદાર લાંચ આપવા માંગતા ન હોય તેઓએ નર્મદા જીલ્લા એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.જે બાદ નર્મદા એસીબી ની ટીમે ભરૂચ ડ્રગ્સ વિભાગ કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
અરજદાર લાંચની ૪૦ હજાર ની રકમ લઈને કચેરીમાં આપવા જતા આસિસ્ટન્ટ કમિશ્નર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભી દેસાઈ લાંચ લેતા એસીબીનાં છટકા માં ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ડ્રગ્સ વિભાગના લાંચિયા અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાઈ જતા ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિઅશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૂત્રોચ્ચાર સાથે ડ્રગ્સ કચેરીમાં પહોંચ્યા હતા અને કચેરીમાં જ કેક કાપી એક બીજાને ખવડાવી હતી અને કચેરી કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી ‘ભ્રષ્ટાચાર દૂર કરો’ના સૂત્રોચ્ચાર કરી ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિઅશનના પ્રમુખ રજનીકાંત ભારતીયએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભ્રષ્ટાચાર માટે પંકાયેલો છે.ગુજરાતમાં ૭૦ ટકા મેડિકલ સ્ટોર ભાડાના ફાર્મસી લાઈસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા વર્ષે સાલિયાણા ઉઘરાવવામાં આવતા હોય છે.નવા મેડિકલ સ્ટોરના લાયસન્સ હોય કે રીન્યુ કરવાના હોય ૨૫ થી ૫૦ હજારથી લાંચ લેવામાં આવે છે.જેથી લાંચિયા અધિકારીઓ એસીબી માં ઝડપાઈ જતા ગુજરાતના ફાર્માસીસ્ટમાં ખુશીનો માહોલ છે.




