૬૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભરૂચ જીલ્લાના દેણવા – ડોલીયા બ્રીજનું લોકાર્પણ કરાયુ

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના દેણવા અને જંબુસર તાલુકાના ડોલીયા ગામને જોડતા ઢાઢર નદી ઉપર રૂ.૬૬ કરોડના ખર્ચે બનેલા બ્રીજનું ધારાસભ્યના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે નદીમાં દુગ્ધાભિષેક પણ કરવામાં આવ્યો હતો.આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાયમાં તેમજ આમોદ – જંબુસર ભાજપના આગેવાનો અને ધારાસભ્યના હસ્તે શ્રીફળ વધેરી મંગલ કામના કરવામાં આવી હતી.આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત મહામંત્રીઓ અને જીલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો,બંને તાલુકાના ગ્રામજનો, ભાજપના હોદેદારો, દેણવા તેમજ ડોલીયા ગામના સરપંચ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેઓએ ધારાસભ્ય ડી.કે.સ્વામીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

રૂ.૬૬ કરોડના ખર્ચે બનેલો બ્રીજ ૨૦ મીટરના કુલ ૩૬ ગાળાવાળો, આશરે ૭૨૦ મીટર લાંબો અને ૧૧ મીટર પહોળાઈ ધરાવતો આર.સી.સી. ટી-બીમ ડેક સ્લેબ બ્રિજ બનાવવામા આવ્યો છે.સાથે જ ડોલિયા તરફ આશરે ૭ કિલોમીટર અને દેણવા તરફ ૧૧ કિલોમીટર લંબાઈમાં ૭ મીટર પહોળા ડામર રોડનું કામ પણ કરવામાં આવ્યું છે.

ઢાઢર અને વિશ્વામિત્રી નદીના સંયુક્ત પ્રવાહમાં સમય સાથે વહેણમાં ફેરફાર અને દરિયા સાથેના સંગમ વિસ્તારમાં પાણીના ફેલાવાને કારણે બ્રિજના એપ્રોચ રોડનું ધોવાણ થયું હતું. સાથે જ પૂરનું જોખમ વધતા બ્રિજના પ્રોટેક્શન માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.હાલ બ્રિજનું પ્રોટેક્શન વર્ક ચાલુ છે અને ચોમાસા બાદ ફરીથી પ્રોટેક્શનની કામગીરી કરવામાં આવશે.રોજિંદા અપડાઉન કરતા નોકરિયાત વર્ગને સગવડ મળે તે હેતુથી હાલ બ્રીજને માત્ર ટુ-વ્હીલર અને લાઈટ ફોર-વ્હીલર ગાડીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

આમ, લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા આ બ્રિજથી આમોદ અને જંબુસર તાલુકાના લોકોની દહેજ ઔદ્યોગિક ક્ષેત્રમાં આવન-જાવનમાં મોટી રાહત મળતા લોકોની આતુરતાનો અંત આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!