ભરૂચમાં પરંપરાગત વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવમાં ગુજરાત ભર માંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે

SHARE:

– છડીનોમ અને મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા નીકળશે 

ભરૂચ,

ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે.પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે આગામી દશમ સુધી મેઘ ઉત્સવ ઉજવાશે જેમાં ગુજરાત ભર માંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે અને ધન્યતા અનુભવશે.

ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થયો હતો.સાતમ નિમિત્તે ભોઈવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. ભરૂચના પંચબત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે.જેથી વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી માર્ગોને બંધ કરવા સાથે ડાયવર્ઝન રૂટ પણ આપ્યા હતા.

સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે.આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી.સાતમ-આઠમ- નોમ અને દશમ એમ ચાર દિવસ સુધી યોજાતા ભાતીગળ મેળામાં ગુજરાત ભર માંથી લાખો શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે.ભરૂચમાં છપ્પાનિયા દુકાળ સમયથી મેઘઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.એ સમયે ભોંય સમાજ દ્વારા નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારથી આજ દિન સુધી આ પરંપરા અકબંધ છે. મેળામાં સમગ્ર રાજ્ય માંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ વિભાગે પણ કમર કસી છે.ભરૂચમાં મેઘ ઉત્સવ ની સાથે સાથે ખારવા સમાજ, વાલ્મિકી સમાજ અને ભોઈ સમાજ દ્વારા અલગ અલગ સ્થળેથી છડી નોમ ના દિવસે છડી વિવિધ અંગો પર ઝૂલાવતા ઝૂલાવતા શહેરના વિવિધ માર્ગો પરથી નીકળશે જેથી તેના દર્શનાર્થે પણ શ્રદ્ધાળુઓ ઉમટશે.જે છડી દશમના દિવસે પરત મંદિરે ફરશે અને મેઘ ઉત્સવનું સમાપન થશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!