ચાસવડ દૂધ ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

SHARE:

– હિમાંશુ ભક્તના અધ્યક્ષસ્થાને એજન્ડાના મુદ્દાઓને સભાસદોની બહુમતીથી મંજૂરી

(વિજય વસાવા, નેત્રંગ)

નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલી શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 65મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સભામાં હિમાંશુ ભક્તની સર્વાનુમતે અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.એજન્ડા મુજબના વિવિધ મુદ્દાઓનું વાંચન કરી વાર્ષિક અહેવાલ,હિસાબો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જેને સભાસદોએ બહુમતીથી મંજૂરી આપી હતી.

સભા દરમ્યાન વર્ષ 2025-26ના હિસાબો અને અન્ય મુદ્દાઓની ચર્ચા વખતે અગાઉની બરતરફ થયેલી કમિટીના કેટલાક સભ્યો દ્વારા વાંધા રજૂ કરવામાં આવ્યા હતા.હાલની કસ્ટોડિયન કમિટી તરફથી જણાવાયું હતું કે અગાઉના વહીવટના ઓડિટમાં રૂ.69.32 લાખની ખોટ તથા ઉન્નતિ ફંડની રૂ.52 લાખની રકમ સહિત કુલ રૂ.1.21 કરોડની ખોટ નોંધાઈ હતી. કમિટી મુજબ, સાત મહિનાના વહીવટ દરમિયાન આ ખોટમાંથી સંસ્થાને બહાર લાવી સભાસદોને દૂધના ભાવમાં રૂ.7.61નો વધારો આપવામાં આવ્યો છે.સભામાં વધુમાં જણાવાયું હતું કે અગાઉની બરતરફ થયેલી કમિટી સામે કલમ 93 હેઠળ રૂ.1.69 કરોડની ભરપાઈનો હુકમ કરવામાં આવ્યો છે. કસ્ટોડિયન કમિટીના જણાવ્યા મુજબ આ રકમ સામે 10 ટકા વ્યાજ સહિતની વસૂલાતનો મુદ્દો યથાવત છે. તેમજ કલમ 86 હેઠળ રૂ.2.11 કરોડના મુદ્દે તપાસ ચાલુ હોવાનું જણાવાયું હતું.સરવૈયામાં રહેલી ભૂલો અંગે સભામાં વાંધા ઉઠાવવામાં આવતા પ્રમુખ હિમાંશુ ભક્ત અને મેનેજર સુરેશ પટેલે છાપકામ દરમિયાન થયેલી ક્ષતિને સુધારીને સુધારેલા આંકડા રજૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ હિસાબોની તપાસ કરાવવા ઈચ્છુક સભાસદો માટે ઓડિટ કરાવી શકાય તેમ હોવાનું જાહેર મંચ પરથી જણાવાયું હતું.

 

સભામાં સભાસદ મરણ સહાયની રકમ રૂ.30 હજારથી વધારીને રૂ.1 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બિનસભાસદોને પ્રોત્સાહનરૂપ લાભ આપવા માટે કાયદાકીય પરવાનગી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ પણ જણાવાયું હતું. અગાઉની કમિટી સામેની રકમની વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી અંગે પણ સભાસદોની બહાલી લેવામાં આવી હતી.

કસ્ટોડિયન કમિટી દ્વારા જણાવાયું હતું કે અગાઉની કમિટી દ્વારા પોતાના વિરુદ્ધના કેસોમાં સ્ટે મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યારે સંબંધિત અપીલ અને કાર્યવાહી અંગે અલગ-અલગ તબક્કે કેસ પેન્ડિંગ હોવાનું જણાવાયું હતું.આ મુદ્દે સભામાં બંને પક્ષે પોતાના દાવા રજૂ કર્યા હતા.સભામાં ઉપપ્રમુખ મનસુખ વસાવા, ડિરેક્ટર પિન્ટુ વસાવા, અશોક ઠુંબર, મહેન્દ્ર વસાવા, મુકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!