– એક જ પરિવારના બે જુથો વચ્ચેના ઝઘડામાં સામસામે પોલીસ ફરિયાદ
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે વડીલોપાર્જિત જમીનના ભાગ પાડવા તથા વાવેતર મુદ્દે એક જ પરિવારના બે જુથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું.તા.૨૬ સપ્ટેમ્બરના રોજ સવારના સમયે બનેલી આ ઘટનામાં લાકડાના દંડા, ચાબુક, પાવડી,ધારીયા અને દાતરડાથી ઈજાઓ પહોંચાડવાની ઘટનાઓ બનતા ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.આ અંગે રાજપારડી પોલીસે બંને પક્ષોની ફરિયાદોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
પ્રથમ પક્ષની ફરિયાદ મુજબ ફરિયાદી ઈસ્માઈલ મહંમદ આમીન મલેક (રહે.નવી તરસાલી,તા.ઝઘડિયા) એ આરોપીઓ (૧) હમજા ઈદ્રીશ મલેક (૨) ઈદ્રીશ મહંમદ આમીન મલેક (૩) સાબિર મહંમદ આમીન મલેક અને (૪) ઈશાક મહંમદ આમીન મલેક (તમામ રહે.નવી તરસાલી,તા.ઝઘડિયા) વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
વિગતો અનુસાર ઈસ્માઈલ મલેક અને તેમનો પુત્ર અશરફી તા.૨૬ નારોજ સવારે નવ વાગ્યે પોતાના ખેતરે ગયા ત્યારે, આ ખેતરનો સરખો ભાગ નહિ પાડ્યો હોવા છતા કેમ કપાસ રોપ્યો,એવો આક્ષેપ કરીને વાવેતર કરેલા કપાસના ૨૫ થી ૩૦ છોડ આરોપીયોએ ભાંગી નાખ્યા હતા.પાક બગાડવાની ના પાડતાં બોલાચાલી ઉગ્ર બની હતી.આ ઝઘડા દરમ્યાન હમજા અને ઈદ્રીશ મલેકે ઈસ્માઈલભાઈને છાતીમાં લાતો મારી નીચે પાડી દીધા હતા.પુત્ર અશરફી વચ્ચે પડતાં હમજાએ લાકડાનો સપાટો માર્યો હતો અને સાબિરે દાતરડું બતાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચાવવા આવેલા ભાઈ કાદર મલેકને ઈદ્રીશે ડાબા ખભા પર ચાબુક ફટકારી દીધી હતી.ત્યાર બાદ ઈશાક મલેકે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સામા પક્ષે
ફરિયાદી ઈદ્રીશ મહંમદ આમીન મલેક (રહે.નવી તરસાલી,તા.ઝઘડિયા)એ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ત્રણ આરોપીયો (૧) કાદર મહંમદ આમીન મલેક (૨) અશરફી ઈસ્માઈલ મલેક અને (૩) ગુલામ ફરીદ કાદર મલેક તમામ રહે.નવી તરસાલી તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.ફરિયાદ મુજબ તા.૨૬ નારોજ સવારના સાડા આઠ વાગ્યાના સમયે ઈદ્રીશભાઈ મલેક અને તેમનો પુત્ર અસલમ જમીનમાં ઘાસચારો કાપવા ગયા તે દરમ્યાન સાડા નવ વાગ્યાના અરસામાં સામા પક્ષના કાદર મલેક, અશરફી મલેક અને ગુલામ ફરીદ મલેકે આવીને ઝઘડો શરૂ કર્યો હતો.કાદર મલેકે અહિંયા કેમ ઘાસ કાપો છો એમ કહિને ઈદ્રીશભાઈ પર ધારીયા વડે હુમલો કરી જમણા હાથના પંજા પર ગંભીર ઈજા પહોંચાડી હતી.અશરફી મલેકે લાકડાના દંડા વડે ઈદ્રીશભાઈના ખભા તથા છાતીના ભાગે ગોદા મારી મોઢા પર મુક્કો માર્યો હતો અને વચ્ચે પડેલા અસલમના કાંડા પર દંડો ફટકાર્યો હતો.ગુલામ ફરીદે પાવડી વડે બરડામાં સપાટો માર્યો હતો અને રોડ પર ટ્રક ફેરવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા.જમીન વિવાદના આ ઝઘડા દરમ્યાન ઈજા પામેલ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ અવિધા સરકારી દવાખાને અને ત્યાર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.




