સેવાના રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત ભરૂચમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

SHARE:

– માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સહિત ૩૦થી વધુ પ્રોફેશનલ આર્ટિસ્ટોએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચ,

 ગુજરાત સરકારના રમત – ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી ગાંધીનગરનાં ઉપક્રમે અને ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા “સેવાનાં રંગ, રાષ્ટ્રનાં સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રંગોળી સ્પર્ધા વ્યક્તિગત રંગોળી / ગ્રુપ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૧૬૫ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત પ્રોફેશનલ આર્ટિસ્ટો તથા અન્ય યુવક-યુવતીઓએ પણ વ્યક્તિગત અને ગ્રુપ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાની વિશેષતા એ રહી હતી કે રંગોળીની કૃતિઓ તૈયાર કરવા માટે માત્ર કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાર્થીઓએ ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા તેમજ કુદરતી રંગો જેવી પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરી વિવિધ કલાત્મક રંગોળીઓ તૈયાર કરી હતી.આ રંગોળીઓના માધ્યમથી વિદ્યાર્થીઓ અને કલાકારોએ સેવા, રાષ્ટ્રભાવના તથા સર્જનાત્મકતાના વિવિધ રંગોને સુંદર રીતે ઉજાગર કર્યા હતા.

સ્પર્ધામાં વિકસિત ભારત@૨૦૪૭, મેક ઈન ઈન્ડિયા,જન કલ્યાણકારી યોજનાઓ ,રાષ્ટ્રીય પ્રતિક,વિકસિત ભારતનું સ્વપ્ન,સેવા સંકલ્પ અભિયાન, સપ્તધારા વિઝન આત્મનિર્ભર ભારત વગેરે થીમમાંથી કોઈપણ એક થીમ પર રંગોળી તૈયાર કરી હતી. આ રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ આર્ટિસ્ટો ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગ્રુપ અને વ્યકિતગત રંગોળી થકી પોતાની કળા દર્શાવી હતી. ગ્રુપ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નરેશકુમાર ચૌહાણ, દ્વિતીય ક્રમાંકે સ્વેતાબહેન પટેલ, તૃતીય ક્રમાંકે દીપેશભાઈ પટેલ વિજેતા બન્યા હતા.જ્યારે વ્યકિતગત રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે પ્રિયંક પટેલ, દ્વિતીય ક્રમાંકે ટીલ્વા ચાર્મી અને રૂમા મઝુમદાર, તૃતીય ક્રમાંકે દીપિકા પરમાર, સૃષ્ટિ સિંગ, તોરલ પરમાર વિજેતા બન્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રોફેશનલ આર્ટિસ્ટ તેમજ અન્ય ઈચ્છુક વ્યક્તિઓ માટે વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. (૧) વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને ૫,૦૦૦ રૂ (એક વ્યક્તિને), દ્વિતીય ક્રમે આવનારને ૩,૦૦૦ રૂ. (બે વ્યક્તિને) તથા તૃતીય ક્રમે આવનારને ૨,૫૦૦ રૂ.(ત્રણ વ્યક્તિને) પુરસ્કાર આપવામાં આવનાર છે. વધુમાં ગ્રુપ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર ને ૧૫,૦૦૦ રૂ, દ્વિતીય ક્રમે આવનારને ૧૦,૦૦૦ રૂ તથા તૃતીય ક્રમે આવનારને ૭,૫૦૦ રૂ પુરસ્કાર આપવામાં આવશે.‘સેવાના રંગ રાષ્ટ્રના સંગ’અંતર્ગત યોજાયેલી આ રંગોળી સ્પર્ધાએ વિદ્યાર્થીઓ અને યુવા કલાકારોને પોતાની સર્જનાત્મક પ્રતિભા વ્યક્ત કરવા માટે સુંદર મંચ પૂરો પાડ્યો હતો. કુદરતી સામગ્રીના ઉપયોગ થકી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આ સ્પર્ધા દ્વારા આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હેમાક્ષી પટેલ, જિલ્લાના અગ્રણીઓ, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, પ્રાંતયુવા વિકાસ અધિકારી સ્વાતિબેન એમ ભોંય, નિવૃત કલા અધ્યાપક શાંતિલાલ સુરતી, રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક પ્રદિપભાઈ દોશી સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!