– ગેરકાયદે વીજ જોડાણો સામે કાર્યવાહી
ભરૂચ,
વાગરા તાલુકાના સારણ ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વહેલી પરોઢે હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગથી વીજળીની ચોરી અને ગેરકાયદેસર વીજ વપરાશ કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.વીજ ચોરીને ડામવા માટે વિજિલન્સ ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા અચાનક સઘન તપાસ શરૂ કરવામાં આવતાં ગામમાં વીજ જોડાણો અંગે તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો.વીજ કંપનીની આ કાર્યવાહીથી ગેરરીતિ આચરતા વીજ વપરાશકારોમાં ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે.સામાન્ય રીતે દિવસ દરમ્યાન થતી તપાસથી અલગ રણનીતિ અપનાવી DGVCLની ટીમ વહેલી પરોઢે જ સારણ ગામમાં પહોંચી હતી.ગામના લોકો ઊંઘમાં હતા ત્યારે અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓના કાફલાએ અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથધરી હતી.
અચાનક થયેલી આ કાર્યવાહીને કારણે વીજ જોડાણોમાં ગેરરીતિ આચરતા લોકોમાં દોડધામ મચી હોવાનું જાણવા મળે છે.તપાસ દરમ્યાન ઘરવપરાશ અને વાણિજ્યિક વીજ જોડાણોમાં ગેરકાયદેસર કનેક્શન, મીટર સાથે છેડછાડ તથા મંજૂરી વિના વીજળીનો ઉપયોગ કરાયો હોવાની શંકાસ્પદ ગેરરીતિઓ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટીમ દ્વારા ગેરકાયદેસર વાયરો જપ્ત કરી નિયમ મુજબ આકારણી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
જોકે તપાસમાં કેટલાં જોડાણો ઝડપાયાં, કેટલી રકમનો દંડ ફટકારાયો અને કેટલા કિસ્સામાં વીજ ચોરીની પુષ્ટિ થઈ તે અંગેની સત્તાવાર આંકડાકીય વિગતો હજુ સુધી સામે આવી નથી. વીજળીની ચોરી માત્ર વીજ કંપનીને થતું આર્થિક નુકસાન નથી,પરંતુ તેની અસર નિયમિત બિલ ભરતા પ્રામાણિક ગ્રાહકો પર પણ પડી શકે છે.વીજ ચોરીના કારણે વીજ વિતરણ વ્યવસ્થા પર વધારાનો બોજ ઊભો થવાની સાથે લો-વોલ્ટેજ અને વારંવાર ફોલ્ટ જેવી સમસ્યાઓ અંગે પણ સવાલો ઊભા થાય છે.હવે સવાલ એ છે કે સારણ ગામમાં થયેલી આ સરપ્રાઈઝ તપાસ બાદ DGVCLની કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત રહેશે કે પછી તાલુકાના અન્ય ગામોમાં પણ આવી જ સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે? વીજ ચોરી સામે કડક અને નિયમિત કાર્યવાહી થાય, જવાબદારો પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવે અને વીજ ચોરીને કાયમી અંકુશમાં લેવામાં આવે તેવી માગ ઊઠી રહી છે.




