(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ગામ નજીક નર્મદા નદી કિનારે મગરના જીવલેણ હુમલાનો ભોગ બનેલા આશરે 40 વર્ષીય યુવક ગોપાલભાઈ તડવીના પરિવારને વન વિભાગ (ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.વન્યજીવ હુમલાના વળતરના નિયમો અનુસાર મૃતક યુવકના શોકગ્રસ્ત પરિવારને “દસ લાખ રૂપિયા” નો સહાય ચેક સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવ્યો છે.
ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો ગત તારીખ 30/09/2026 ના રોજ સાંજના સમયે ચુડેશ્વર ગામ નજીક નર્મદા નદી કિનારે ગયેલા સ્થાનિક યુવક ગોપાલભાઈ તડવી પર નદીમાં સંતાઈ રહેલા મગરે અચાનક હિંસક હુમલો કર્યો હતો અને તેમને ઊંડા પાણીમાં ઢસડી ગયો હતો.ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કલાકોની ભારે શોધ ખોળ બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આ ઘટના ની જાણ થતા જ તિલકવાડા પોલીસ અને વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ દુઃખદ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી વળતરની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી હતી. અને આજ રોજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્રિપાલસિંહ ગોહિલ સાથે ગ્રામ પંચાયત ના સરપંચ પરવેજ ઘોરી અરુણભાઈ તડવી સાથે અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં મૃતકના પરિવારને 10 લાખનો ચેક એનાયત કરી પરિવારને આ કપરા સમયમાં આર્થિક ટેકો પૂરો પાડ્યો છે.
આ સાથે જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્રિપાલસિંહ ગોહિલે નર્મદા નદી કિનારાના વિસ્તારોમાં મગરોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ચુડેશ્વર અને આસ પાસના ગ્રામજનોને કમ સિવાય નદી કિનારે ન જવા, પશુઓને પાણી પીવડાવવા કે કપડાં ધોવા જેવી પ્રવૃત્તિઓ કરતી વખતે અત્યંત સાવચેત રહેવા અને વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલી સુચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.




