સાયખા GIDCમાં કંપનીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો : BAAS INDUSTRIESમાં કામદારનો 112 પર કોલથી પોલીસ દોડતી થઈ

SHARE:

– કામદારોના વેરિફિકેશનની તપાસ જરૂરી

ભરૂચ,

વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી BAAS INDUSTRIES કંપનીમાંથી એક કામદારે 112 ઇમરજન્સી હેલ્પલાઈન પર કોલ કરીને કંપનીમાં માથાકૂટ થઈ હોવાની જાણ કરતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.કોલ મળતાં જ 112 પોલીસ વાન તાત્કાલિક કંપનીના સ્થળે પહોંચી હતી.જોકે, સ્થળ પર પહોંચેલી પોલીસને હાજર કામદારોએ અલગ જ હકીકત જણાવી હતી.કામદારોએ પોલીસને જણાવ્યું હતું કે તેમના જ એક સાથી કામદારે નશાની હાલતમાં 112 પર કોલ કરી દીધો હતો.પોલીસ કંપનીમાં તપાસ કરવા પહોંચી ત્યારે કોલ કરનાર કામદાર ત્યાં મળી આવ્યો ન હોતો.પરિણામે પોલીસનો કિંમતી સમય અને સરકારી સંસાધનોનો વ્યય થયાનો મામલો સામે આવ્યો છે.

આ ઘટનાએ સાયખા GIDCમાં કંપનીઓની અંદર કામદારોની પ્રવૃત્તિઓ, શિસ્ત અને વ્યવસ્થાપન સામે સવાલો ઊભા કર્યા છે. ઈમરજન્સી હેલ્પલાઈનનો ઉપયોગ ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવા માટે થાય છે.આવી સેવાનો બિનજરૂરી ઉપયોગ થાય તો ખરેખર કોઈ ગંભીર ઘટના સમયે પોલીસની તાત્કાલિક મદદની જરૂરિયાત ધરાવતા લોકોને અસર થઈ શકે છે.જોકે કામદારે નશો કર્યો હોવાનો અને ખોટો કોલ કર્યો હોવાનો દાવો હાલ કંપનીમાં હાજર કામદારોના જણાવ્યા પર આધારિત છે,ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર સવાલ કંપનીમાં રહેતા કામદારોની સુરક્ષા અને પોલીસ વેરિફિકેશનનો છે.

મળતી માહિતી મુજબ, BAAS INDUSTRIESમાં અંદાજે 15 જેટલા કર્મચારીઓ હાજર હતા અને તેઓ કંપનીમાં જ રહીને કામ કરે છે.ત્યારે સવાલ એ છે કે કંપનીમાં રહેતા તમામ કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું છે કે નહીં? કામદારોની ઓળખ, રહેઠાણ અને તેમની પૃષ્ઠભૂમિ અંગે જરૂરી ચકાસણી થઈ છે કે કેમ? કંપની સંચાલકો દ્વારા કામદારોની સુરક્ષા, શિસ્ત અને કટોકટીના સમયે જવાબદારી નક્કી કરવા માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે નહીં? આ તમામ મુદ્દાઓની સંબંધિત તંત્ર દ્વારા તપાસ થવી અનિવાર્ય છે. આ મામલો માત્ર એક બિનજરૂરી કોલ પૂરતો મર્યાદિત નથી. બે દિવસ પહેલાં જ સાયખા GIDCની સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ભયાનક બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો હતો, જેમાં પાંચ કામદારોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી હતી. ઔદ્યોગિક એકમોમાં કામદારોના જીવની કિંમત કેટલી છે અને તેમની સલામતી માટે કઈ વ્યવસ્થાઓ અમલમાં છે, તે અંગે આ દુર્ઘટનાએ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આવી સ્થિતિમાં કંપનીઓમાં કામદારોને રહેવાની વ્યવસ્થા આપવામાં આવતી હોય તો ત્યાં આગ, ગેસ લીકેજ, કેમિકલ અકસ્માત કે બ્લાસ્ટ જેવી કટોકટી સામે બચાવની પૂરતી વ્યવસ્થા છે કે નહીં, તેની પણ તપાસ થવી જોઈએ.જો કોઈ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થાય, આગ લાગે કે બ્લાસ્ટ સર્જાય અને કંપનીમાં જ રહેતા કામદારોના જીવ જોખમાય, તો તેની જવાબદારી કોણ લેશે? શું દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર દોડતું થશે? શું કામદારોના જીવ ગયા પછી જ સુરક્ષાના નિયમોની યાદ આવશે? કે પછી અગાઉથી જ કંપનીઓમાં સલામતીનાં ધોરણો, કામદારોના વેરિફિકેશન અને કટોકટી વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે? હવે વાગરા પોલીસ, ઔદ્યોગિક સુરક્ષા સંબંધિત વિભાગો અને સંબંધિત સત્તાધીશોએ BAAS INDUSTRIESની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને હકીકત સ્પષ્ટ કરવી જોઈએ. કંપનીમાં રહેતા કામદારોનું વેરિફિકેશન, રહેઠાણની વ્યવસ્થા, અગ્નિસુરક્ષા અને ઇમરજન્સી પ્રતિસાદની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ. સાથે જ સાયખા GIDCની અન્ય કંપનીઓમાં પણ આવી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠે તે સ્વાભાવિક છે. ઔદ્યોગિક વિકાસના નામે કામદારોના જીવ અને સુરક્ષાને હળવાશથી લઈ શકાય નહીં. તંત્રની જવાબદારી માત્ર ઘટના બન્યા પછી સ્થળ પર પહોંચવાની નથી, પરંતુ આવી ઘટના બને જ નહીં તે માટે જરૂરી તકેદારી રાખવાની પણ છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે સંબંધિત તંત્ર ખરેખર તપાસ કરીને જવાબદારી નક્કી કરે છે કે પછી આ ગંભીર સવાલો પણ ફાઈલોમાં જ દટાઈ જશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!