– સદ્દનસીબે કોઈ જાનહાનિ નહિ
ભરૂચ,
અંકલેશ્વર GIDCમાં આવેલી ઓરિએન્ટ એરો નામના કેમિકલ એકમમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરીને 2 ફાયર ફાઈટર્સની મદદથી આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,પરંતુ વારંવાર બનતા આવા બનાવોથી ઉદ્યોગોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
ઓરિએન્ટ એરો કેમિકલ કંપનીમાં અચાનક ફાટી નીકળેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કેમિકલના કારણે આગ ઝડપથી પ્રસરી જતાં કંપનીના પરિસરમાંથી કાળા ધુમાડાના વિષાળ ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, જે દૂર દૂર સુધી સ્પષ્ટપણે નજરે પડતા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આગના આ બનાવ અંગે સ્થાનિક ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.જેના પગલે ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ફાયર ટીમના કર્મચારીઓએ સતત પાણીનો મારો ચલાવીને અને 2 ફાયર ફાઈટર્સનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં આગને વધુ પ્રસરતી અટકાવીને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.સમયસરની કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી.
સદ્દનસીબે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ કર્મચારી કે વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જોકે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓમાં વારંવાર બનતી આગની ઘટનાઓને પગલે ઔદ્યોગિક એકમો દ્વારા રાખવામાં આવતી ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થાના મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.




