– નિયમ વિરુદ્ધ ઊંચા સ્પીડ બ્રેકરથી વાહન ચાલકોમાં રોષ : એક જ દિવસમાં અનેક વાહનોને નુકસાન થયાની ફરિયાદ
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીને જોડતા ઝઘડિયા-વંઠેવાડ માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બનાવવામાં આવેલા રસ્તા પર ઊંચા જમ્બો સ્પીડ બ્રેકર વાહનચાલકો માટે મુસીબતરૂપ બન્યા છે.ઝઘડિયાથી વંઠેવાડ સુધીના માર્ગ પર આશરે પાંચ જેટલા જમ્બો સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે.જેને લઈને સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોના જણાવ્યા મુજબ નિયમ વિરુદ્ધ અને હદથી વધુ ઊંચા બનાવવામાં આવેલા આ સ્પીડ બ્રેકરને કારણે કાર, એક્ટિવા સહિતનાં અનેક વાહનોને નુકસાન થઈ રહ્યું છે.સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે વાહનો નીચેના ભાગે અથડાતાં કેટલીય કારોના ઓઈલ ચેમ્બર ફાટવા જેવી ઘટનાઓ બની હોવાનું જાણવા મળ્યું છે.એક જ દિવસમાં અનેક વાહનોને નુકસાન થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે નિયમોનું પાલન કર્યા વિના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા છે. વાહન ચાલકોની સુરક્ષા માટે બનાવવામાં આવતા સ્પીડ બ્રેકર જ હવે અકસ્માત અને વાહનોને નુકસાનનું કારણ બની રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
અંધારામાં સ્પીડ બ્રેકર ન દેખાતાં ચાર બાઇક ચાલકો પટકાયા
ગત રાત્રિ દરમ્યાન સદર માર્ગ ઉપર પૂરતી રોશનીના અભાવે ઊંચા સ્પીડ બ્રેકર દેખાયા ન હોવાથી જીઆઈડીસીમાં અવર જવર કરતા ચાર જેટલા બાઈક ચાલકો પટકાયા હોવાની ઘટના સામે આવી છે.રાત્રિના સમયે સ્પીડ બ્રેકર સ્પષ્ટ દેખાય તેવી વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય વધી રહ્યો છે.સંબંધિત તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી સ્પીડ બ્રેકરની ઊંચાઈ અને નિયમો અંગે ચકાસણી કરવામાં આવે તેમજ જરૂરી સુધારા કરી વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોકોની માંગ ઊઠી છે.



