આમોદના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે શરદ પૂર્ણિમાએ નવચંડી યજ્ઞ યોજાયો

SHARE:

– નવચંડી યજ્ઞ નિમિત્તે ગામની બહાર ગામ રહેતા વતનીઓ ભેગા મળતા સ્નેહમિલન જેવું વાતાવરણ સર્જાયું

ભરૂચ,

આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વારાહી માતાજીના મંદિરે આ વર્ષે શરદ પૂર્ણિમાના પાવન અવસરે પાંચમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ જયેશ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો.સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું અને ભક્તોએ યજ્ઞમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામલોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો.તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ- બહેનોએ માતાજીના પટાંગણમાં ગરબે રમી ધન્યતા અનુભવી હતી.માતાજીની આરતી સમયે મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવાર અને ગામની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.નવચંડી યજ્ઞ નિમિત્તે ગામની બહાર રહેતા વતનીઓ એકબીજાને મળતાં જૂની યાદો તાજી થઈ હતી અને પરસ્પર સ્નેહ, એકતા તથા ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હતી.નવચંડી યજ્ઞ બાદ સમસ્ત ગામલોકો સહિત આસપાસના ગ્રામજનોએ અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.આ પ્રસંગે ગામના દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ રણછોડભાઈ ખુશાલભાઈ પટેલના મુખ્ય યજમાન પદે પાંચમો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!