– ‘વંદે માતરમ્’ના અમર સૂર સાથે રાષ્ટ્રભાવનાની સાહિત્યિક વિરાસત ‘આનંદમઠ’ નવલકથા રંગમંચ પર જીવંત થયા
– નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ૩૦૦ કલાકારોએ ૧૦૦ × ૧૦૦ ફૂટના વિશાળ મંચ પર ૯૦ મિનિટની પ્રસ્તુતિમાં સ્વાતંત્ર્યસંગ્રામના ઈતિહાસને જીવંત કર્યો
– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનોએ પ્રસ્તુતિ નિહાળી : કલાકારોએ ‘વંદે માતરમ્’ની અદ્દભૂત ગાથા રજૂ કરી દર્શકોને રાષ્ટ્રભાવનાથી ભાવવિભોર કર્યા
– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનોની મુલાકાત લઈને વડાપ્રધાનએ આત્મીય સંવાદ કર્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ એકતાનગર સ્થિત ડેમ વ્યૂ પોઈન્ટ-૧ ખાતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક કૃતિ ‘આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન કરાયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રજૂ થયેલી આ પ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોને રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણની અનુભૂતિ કરાવી હતી.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ૩૦૦ પ્રશિક્ષિત કલાકારોએ ૧૦૦ × ૧૦૦ ફૂટના વિશાળ મંચ પર ૯૦ મિનિટ સુધી ‘આનંદમઠ’ નવલકથાની નાટ્યપ્રસ્તુતિ કરી ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રભાવનાનો ત્રિવેણી સંગમ રચ્યો હતો.જેમાં ‘વંદે માતરમ્’ની અદ્દભૂત ગાથા નિહાળીને દર્શકો રાષ્ટ્રભાવનાથી ભાવવિભોર થયા હતા.અદ્દભૂત મંચસજ્જા, સામૂહિક અભિનય, સંગીત. ઓડિયો વિઝ્યુઅલ ઈફેક્ટસ અને પ્રકાશ-આયોજનના સમન્વયથી સર્જાયેલા દૃશ્યોએ દર્શકોને જકડી રાખ્યા હતા.
નવી પેઢીને ભારતીય સાહિત્ય,ઈતિહાસ અને સ્વાતંત્ર્યસંગ્રામના પ્રેરણાદાયી પ્રસંગો સાથે જોડવાની દિશામાં એક સાર્થક સાંસ્કૃતિક પહેલ સમાન આ પ્રસ્તુતિ દરમ્યાન ‘વંદે માતરમ્’ના વિશેષ દૃશ્યાવલિએ ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમનો રોમાંચ જગાવ્યો હતો અને તાળીઓના ગડગડાટથી કલાકારોને બિરદાવ્યા હતા.
ગૃહ મંત્રાલયના વિશેષ આમંત્રણથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનો શાંતનુ ચટ્ટોપાધ્યાય,બરનાલી ચટ્ટોપાધ્યાય અને સુમિત્રો ચટ્ટોપાધ્યાયે પણ આ પ્રસ્તુતિ નિહાળી હતી.પોતાના પૂર્વજની કૃતિને ભવ્ય સ્વરૂપે મંચન થતું જોઈને ગદ્દગદ થયા હતા. નાટ્યપ્રસ્તુતિ પૂર્ણ થયા બાદ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનોની મુલાકાત લઈને વડાપ્રધાનશ્રીએ આત્મીય સંવાદ કર્યો હતો.
વર્ષ ૧૮૮૨માં રચાયેલી ‘આનંદમઠ’ નવલકથા ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામની પ્રેરણાસ્રોત રહી છે, અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ તેનો જ એક ભાગ છે. આ નવલકથા પરથી વર્ષ ૧૯૫૨માં હેમેન ગુપ્તાના દિગ્દર્શનમાં હિન્દી ફિલ્મ પણ બની હતી, ત્યારે એકતાનગરમાં થયેલું આ મંચન સાહિત્ય, અભિનય અને દૃશ્યકળાના સમન્વય તરીકે યાદગાર બની રહ્યું હતું. વડાપ્રધાનશ્રી તેમજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનો આ ક્ષણના સાક્ષી અને સહભાગી બન્યા હતા.
‘લોખંડી પુરુષ’ સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં યોજાયેલી આ પ્રસ્તુતિએ રાષ્ટ્રીય એકતા અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણના સંદેશને એક સૂત્રમાં પરોવ્યો હતો. એક તરફ સરદાર સાહેબનું અખંડ ભારતનું સ્વપ્ન અને બીજી તરફ ‘આનંદમઠ’માં વણાયેલી માતૃભૂમિ પ્રત્યેની અનન્ય નિષ્ઠા આ બંનેના સુભગ સમન્વયે એકતાનગરના આંગણે ઇતિહાસ રચ્યો હતો.આ ક્ષણે ઉપસ્થિત સૌ મહાનુભાવો,નાગરિકોએ નાટ્યપ્રસ્તુતિને હર્ષનાદ સાથે વધાવી હતી.




