ભરૂચ,
વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની હરાજી સામે ખેડૂત હિત રક્ષક સમિતિએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ, મશીનરી અને અન્ય મિલકતોની હરાજી સામે ભરૂચ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિએ વિરોધ નોંધાવ્યો છે.NCDC દ્વારા SARFAESI Act હેઠળ આગામી 18 નવેમ્બરે યોજાનારી ઈ-હરાજી સ્થગિત રાખવાની માંગ સાથે સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં મિલકતોની અનામત કિંમત રૂ.186.48 કરોડ રાખવામાં આવી હોવાનું જણાવી હરાજીની સમગ્ર પ્રક્રિયાની કાયદેસરતા અને પારદર્શિતા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા શેરધારકોને હરાજી અંગે જાણ કરવામાં આવી છે કે કેમ અને તેમને પોતાની રજૂઆત કરવાની તક મળી છે કે કેમ તેની તપાસ કરવાની માંગ કરાઈ છે.સમિતિએ SARFAESI Act તથા સંબંધિત નિયમો હેઠળ નોટિસની બજવણી, મિલકતોના મૂલ્યાંકન, અનામત કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને લિક્વિડેટરની સત્તાઓની તપાસ કરવાની પણ રજૂઆત કરી છે.
સમિતિએ માંગ કરી છે કે હરાજી સંબંધિત તમામ દસ્તાવેજો મંગાવી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત શેરધારકોના કાયદેસરના હિતોનું રક્ષણ થાય ત્યાં સુધી 18 નવેમ્બરે યોજાનારી હરાજીની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે.



