ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વણથંભી પરંપરા : ઝઘડિયા ચોકડી નજીક અકસ્માતમાં મોપેડ સવાર પિતા પુત્રીના સ્થળ પરજ મોત

SHARE:

– નર્મદા જિલ્લાના સિસોદરાના પિતાપુત્રી અંકલેશ્વર જતા હતા તે દરમ્યાન ટ્રકની અડફેટે અકસ્માત સર્જાયો : ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો

(જયશીલ પટેલ, ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે.તાલુકાના વિવિધ માર્ગો પર અવારનવાર સર્જાતા અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.ખાસ કરીને ભારે વાહનોની અવરજવર ધરાવતા માર્ગો અને ચોકડીઓ પર અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે, ત્યારે ઝઘડિયા ચોકડી નજીક ટ્રકની અડફેટે એક્ટિવા ગાડી પર સવાર પિતા-પુત્રીનાં કરુણ મોત નિપજવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ઝઘડિયા ચોકડી ઉપર આવેલ બમ્પ પાસે બનેલી આ ઘટનામાં નર્મદા જિલ્લાના રાજપીપલા તાલુકાના સિસોદરા ગામના મેહુલભાઈ પ્રફુલભાઈ પટેલ (ઉં.વ. ૪૮) અને તેમની ૧૮ વર્ષીય પુત્રી આજરોજ તા.૨૩ મીના રોજ એક્ટિવા ગાડી પર સવાર થઇને અંકલેશ્વર તરફ જઈ રહ્યાં હતાં, તે દરમિયાન સવારના પોણા અગિયાર વાગ્યાના અરસામાં ઝઘડિયાની ચોકડી નજીક બમ્પ પાસે પાછળથી આવેલ એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર પિતા-પુત્રી રસ્તા પર પટકાયા હતા અને તેઓ ટ્રકના વ્હિલ નીચે આવી જતા બન્નેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ ગંભીર અકસ્માતમાં પિતાપુત્રી બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. એક જ પરિવારના બે સભ્યોનાં મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બનાવ અંગે મૃતક મેહુલભાઈના ભાઈ સંતોષભાઈ પ્રફુલભાઈ પટેલ રહે.ગામ સિસોદરા, તા.રાજપીપલા, જિ.નર્મદા ની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ભારે વાહનોની સતત અવરજવર અને ગ્રામ્ય માર્ગો પર વધતા વાહનવ્યવહારને પગલે અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. ઘણીવાર બેદરકારીપૂર્વક વાહન હંકારવું, પૂરતી તકેદારીનો અભાવ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થાય છે.અનેક અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

ઝઘડિયા ચોકડી સહિત અકસ્માતની સંભાવના ધરાવતા માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ, ભારે વાહનોની ગતિ પર અંકુશ, વાહનચાલકોમાં જાગૃતિ અને પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.માર્ગ અકસ્માતો અટકાવવા તંત્ર દ્વારા સમયસર નક્કર પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!