આમોદ પાલિકામાં કોન્ટ્રાક્ટરનું ૧૪.૨૦ લાખનું પેમેન્ટ બાકી પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી

SHARE:

– આમોદ પાલીકા પ્રમુખ અને અધિકારીઓ સામે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપ : નગરપાલિકા તરફથી આક્ષેપોનો ઈન્કાર

આમોદ,

આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરતા મૈલેશ મોદીના દ્વારા છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ રૂપિયા ૧૪,૨૦,૦૦૦ ના બિલ બાકી હોવા છતાં ચુકવણી ન થતા તેમણે ૧૫મી ઓગષ્ટના દિવસે સવારે ૯:૩૦ કલાકે આત્મવિલોપનની ચીમકી આપી હતી.જેથી આમોદ પાલિકાના સત્તાધીશોના હડકંપ મચી જવા પામ્યો હતો.કોન્ટ્રાકટર મૈલેશ મોદી દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી.

મૈલેશ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૫ વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટનુ કામ કરું છું.તારીખ ૩૧-૧૦-૨૦૨૩ થી ૩૧-૧૦-૨૦૨૪ દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત રૂપિયા ૧૩,૧૦,૦૦૦ છે,જેમાંથી રૂપિયા ૧૨,૬૦,૦૦૦ આજે પણ બાકી છે.તેમજ બીજા સ્વભંડોળના રૂપિયા મળી કુલ રૂપિયા ૧૪,૨૦,૦૦૦ નું ચૂકવણું આઠ મહિનાથી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથીતેમણે લેખિતમાં જણાવ્યું હતું કે પ્રમુખ અને મુખ્ય અધિકારી મારા સ્વભંડોળ કામોના બિલો પાસ કરાવવા મોટી રકમ લાંચ સ્વરૂપે માંગે છે.જે હું આપતો ના હોય મારા બિલો અટકાવી રાખ્યા છે.

આમોદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ ટકાવારી માંગે છે.જેમાં ૩ ટકા મુખ્ય અધિકારી,૭ ટકા નગરપાલિકા બોડી (પ્રમુખ,કારોબારી અધ્યક્ષ સહિત) ૩ ટકા હિસાબી શાખા,૧ ટકા ઈજનેર માંગે છે.

મૈલેશ મોદીએ દાવો કર્યો હતો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે.તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડિયો અને લેખિત દસ્તાવેજ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે.

વધુમાં મૈલેશ મોદીએ જણાવ્યું હતું કે કુટુંબ પણ આર્થિક તંગીમાં છે.તેમની એક દીકરી પરણિત છે જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે.તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે.આમોદ પાલિકા દ્વારા બાકી બિલની ચુકવણી અટકાવવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક ભીસને કારણે તેમણે ૧૫ મી  ઓગષ્ટે સવારે ૯:૩૦ કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે. તેની લેખિત અરજી મામલતદાર કચેરીને આપવામાં આવી હતી.જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે.

આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે.તેમણે ક્યારેય ટકાવારી માગી નથી.પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે,કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે.પગાર અને પી.એફ.ચુકવવામાં પણ મુશ્કેલી પડે છે.સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે.વધુમાં જણાવ્યું કે બીજાં કોન્ટ્રાક્ટરોએ ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી.તેમ છતાં આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે.

આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઊભા કર્યા છે.ત્યારે નગરજનો પણ માંગ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારથી ખદબદતી આમોદ નગરપાલિકા સામે કોન્ટ્રાકટર મૈલેશ મોદી દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ કરી પાલિકા સત્તાધિશોની શાન ઠેકાણે લાવવી જોઈએ. ટકાવારી મામલે સંબંધિત તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!