ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી પરિવારોએ શુક્રવારે પવિત્ર તહેવાર પતેતી અને પારસી નૂતન વર્ષની ઉમંગભેર ઉજવણી કરી હતી. શહેરની અગિયારીઓમાં વહેલી સવારથી પારસી સમુદાયના લોકો એકત્રિત થયા.તેમણે પવિત્ર અગ્નિની પૂજા કરી અને એકબીજાને નવરોઝ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી.
પારસી સમાજ માટે પતેતી પર્વ એ ભૂલોનો પશ્ચાતાપ કરી મનને શુદ્ધ કરવાનો દિવસ છે.આ પ્રસંગે તેઓ પોતાના ઘર અને આતશબેહરમના આંગણામાં સાથીયા પૂરે છે અને આસોપાલવના તોરણથી શણગાર કરે છે.ભરૂચમાં વેજલપુર પારસીવાડ અને કોટ પારસીવાડમાં આવેલી ચાર અગિયારીઓમાં સવારથી જ ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી.
શહેરના વિવિધ સામાજિક આગેવાનો,રાજકીય આગેવાનોએ બંબાખાના વિસ્તારમાં સ્વ.શ્યામ શેઠના નિવાસ સ્થાને એરિક શેઠના પરિવારની મુલાકાત લઈ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.ઐતિહાસિક રીતે વેપાર અર્થે ઈરાનથી ભારતના સંજાણ બંદરે આવેલા પારસી સમાજે ભારતીય સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ભળી જઈને પોતાની વિશિષ્ટ ઓળખ જાળવી રાખી છે.




