– રાજ્ય ભરમાં ટકાવારી લેવા મુદ્દે કુખ્યાત બનેલી આમોદ પાલિકાના શાસકોની કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં ઢીલાશ કેમ?
આમોદ,
આમોદ નગરપાલિકાના કોન્ટ્રાકટર મૌલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું ૧૪.૨૦ લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરીએ ૧૫ મી ઓગષ્ટના રોજ સવારે ૯:૩૦ કલાકે પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મ વિલોપનની ચીમકી આપી હતી.અને પાલિકા શાસકો સામે ટકાવારી લેવાના મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપ કર્યા હતા.તેમજ પ્રાદેશિક કમિશનર સુરત તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી તેમની પાસે ટકાવારી માંગતા હોવાની લેખિત ફરીયાદ કરી હતી. જેથી રાજ્યભરમાં આમોદ પાલિકા ટકાવારી લેવા બાબતે કુખ્યાત બની હતી.ત્યાર બાદ કોન્ટ્રાકટર મૈલેશ મોદીનું પાલિકા સત્તાધીશો સાથે સમાધાન થઈ જતા અને બાકી બિલ કાઢી આપવાની લેખિત બાહેંધરી આપતાં પાલિકા સાથે સમાધાન થઈ ગયુ હતું.પંરતુ ભાજપ શાસિત આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી લેતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.જેના કારણે રાજ્ય ભરમાં ભાજપની પણ ભારે બદનામી થઈ હતી.જે ટકાવારીનો મુદ્દો હાલ સમગ્ર આમોદ નગર સહિત જીલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.ત્યારે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી પાલિકા શાસકોના આવા અણઘડ વહીવટને કારણે ભાજપની બદનામી થઈ હોય તેમની સામે ક્યારે પગલા ભરશે તે જોવું રહ્યુ.કારણ કે ભાજપના અન્ય સદસ્યો પણ ટકાવારીના મુદ્દે ભારે ચર્ચાનો વિષય બન્યા છે.આ ટકાવારીના મુદ્દાએ ભાજપની રાષ્ટ્રભક્ત પાર્ટીની છબીને ધૂળમાં ભેળવી દીધો છે.મૈલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું હતું કે
હવે આગળ મારે કંઈ કરવાનું નથી.મીડિયા અને સોશિયલ મીડિયા પર વીડિયો આપવાની વાત કરી હતી.પરંતુ એટલી હદે જઈ શકું એમ નથી.અમારી તમામ માંગણી સંતોષાઈ ગઈ છે.લાંચ સ્વરૂપે ટકાવારી માંગતો વિડિઓ તમે જે માંગી રહ્યા છો તે આ સમયે અસ્થાને છે.મારા બાકી બીલ અંગેની તમામ માંગણી લેખીતમાં સંતોષાઈ છે.
નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે મૈલેશ મોદીએ સોશ્યલ મીડિયામાં જે કંઈ કહ્યું હશે તેમાં મને તકલીફ નથી.નગરપાલિકા તરફથી કોઈ માંગણી કરવામાં આવી નથી.આધાર પુરાવા વગર હું કોઈ કાર્યવાહી કરી શકું નહીં.ભવિષ્યમાં કોઈ નાગરિક આક્ષેપ કરશે તો એમને બોલાવી તેમની સમસ્યા જાણી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે.જ્યારે પુછાયું કે શું કોન્ટ્રાકટર સામે બદનક્ષી કે માનહાનીનો દાવો કરશો? તો પ્રમુખે જણાવ્યું કે જ્યાં સુધી મારી પાસે પુરાવા ન આવે ત્યાં સુધી ગુનો કે માનહાનીનો દાવો દાખલ કરી શકાતો નથી.જો કે આમોદના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ આમોદ નગરપાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી બિલો પાસ કરાવવા માટે ટકાવારી માંગતા હોવાની લેખિત ફરીયાદ પ્રાદેશિક કમિશનર સુરત, પોલીસ ઇન્સ્પેકટર આમોદ,મામલતદાર આમોદ, પ્રાંત અધિકારી જંબુસર,જીલ્લા કલેક્ટર ભરૂચ, માનવ અધિકાર આયોગ, મુખ્યમંત્રી ગાંધીનગર તેમજ મુખ્ય અધિકારી આમોદને ૬ ઓગષ્ટના રોજ લેખિત ફરીયાદ કરી હતી.તેમજ મીડિયાના માધ્યમથી પણ જણાવ્યું હતું કે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી બિલો પાસ કરાવવા મોટી રકમ લાંચ પેટે માંગી રહ્યા છે.ત્યારે પાલિકા પ્રમુખને કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં કેવા પુરાવાની જરૂર છે.તે નગરજનોને સમજાતું નથી.
– આમોદ પાલીકાના શાસકો ટકાવારી લેતા હોવાનો આક્ષેપ લાગતા પ્રબુદ્ધ નાગરિકોની ધ્વજવંદનના કાર્યક્રમમાં પાંખી હાજરી જોવા મળી
આમોદ પાલીકા દ્વારા ૧૫ મી ઓગષ્ટના રોજ ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે આમોદ નગરજનો,વેપારી આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ પાલિકાના વિકાસના કામો કરતા કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી પોતાની પાસે બિલો પાસ કરાવવા ટકાવારી માંગતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.જેના કારણે લોકમાનસમાં પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી લેતા હોવાનું દ્રઢ થઈ ગયુ હતું.જેથી ૧૫ મી ઓગષ્ટના રાષ્ટ્રિય પર્વના કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો તેમજ વેપારી આગેવાનોની પાંખી હાજરી જોવા મળી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
– પાલિકા ઉપર લાગેલા ટકાવારીના આક્ષેપો બાદ હર ઘર તિરંગા અભિયાનનું સુરસુરિયું થયું
આમોદ પાલીકા શાસકો સામે કોન્ટ્રાક્ટરે ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો કર્યા બાદ પાલિકા શાસકોએ કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી નહીં કરતા લોકમાનસમાં ભાજપ શાસિત પાલિકા શાસકો ટકાવારી લેતા હોવાનું દ્રઢ બની ગયુ હતું.જેના કારણે આમોદ નગરમાં હર ઘર તિરંગા અભિયાનનું સુરસુરિયું થઈ ગયુ હતું.કારણે ભાજપ સંગઠને આમોદ પાલિકાના વોર્ડના સભ્યોને તિરંગા વિતરણ કરવા માટે આપી દીધા હતા.પંરતુ પાલિકા શાસકો ટકાવારી લેતા હોવાના આક્ષેપો થયા બાદ પાલિકા સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.જેથી તેઓ પોતાના વિસ્તારમાં તિરંગાનું વિતરણ કર્યુ નહોતું.જ્યારે કેટલાક સભ્યોએ પોતાના બાળકોને તેમના વિસ્તારના તિરંગા વિતરણ કરવા મોકલી દીધા હતા.જેથી નગરજનો પણ પાલિકા સભ્યોની ‘દેશભક્તિ’ જાણી ગયા હોય પોતાના મકાન ઉપર તિરંગો લગાવવાનું માંડી વાળ્યું હતું.




