વાગરાના વિલાયત-દેરોલ માર્ગ પર બે વાહનો ખોટકાઈ જતા સર્જાયો ટ્રાફિકજામ

SHARE:

– અધૂરા કામ અને તંત્રની બેદરકારીએ પ્રજાને રઝળાવી

ભરૂચ,

વાગરા તાલુકાના વિલાયત અને દેરોલ સાથે જોડતા માર્ગ પર આજે ફરી એકવાર ટ્રાફિક જામની નર્કાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી.આ જામનું કારણ કોઈ અચાનક દુર્ઘટના નહીં પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે.રસ્તા પર ચાલી રહેલી અધૂરી કામગીરી અને વન-વે બનેલા માર્ગમાં એક સાથે ખાનગી બસ અને ટ્રક ખોટકાઈ જતાં વાહનોની અંદાજીત બે કિલોમીટર સુધીની લાંબી કતારો લાગી ગઈ હતી.આ ઘટનાએ વિકાસના દાવા કરતા તંત્રની નિષ્ફળતાનો નગ્ન ચહેરો ખુલ્લો પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા-વિલાયત-દેરોલ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે.પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, કોન્ટ્રાક્ટરે એક તરફનો માર્ગ ખોદી નાખીને કામ અધૂરું છોડી દીધું છે. પરિણામે આખો માર્ગ વન-વે ટ્રાફિકથી ચાલી રહ્યો છે, જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે. આજરોજ બપોરે બે વાગ્યાના અરસામાં આ જ વન-વે માર્ગ પર એક ખાનગી બસ અને એક ટ્રક અચાનક ખોટકાઈ જતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. સાંકડા માર્ગ પર આ બે મોટા વાહનો વચ્ચે ખોટકાઈ જવાથી અન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ હતી અને વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.

આ ઘટના એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે તંત્ર અને સત્તાધારી પક્ષ વિકાસના જે મોટા-મોટા દાવા કરે છે, તે માત્ર કાગળ પર જ સીમિત છે. જો માર્ગનું કામ સમયસર અને યોગ્ય રીતે પૂરું કરવામાં આવ્યું હોત,તો આ વિકટ પરિસ્થિતિ ઊભી જ ન થઈ હોત. કોન્ટ્રાક્ટરને અધૂરું કામ છોડી દેવા માટે કોણે છૂટ આપી? અને આવા જોખમી માર્ગ પર વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની? આ પ્રશ્નોના જવાબ તંત્ર પાસે નથી. એક વાહનચાલકે ગુસ્સાથી કહ્યું કે રોજ સવારે આ માર્ગ પરથી પસાર થવું એટલે જીવને જોખમમાં મૂકવા જેવું છે.કામ પૂરું થતું નથી અને હેરાનગતિનો કોઈ પાર નથી.શું અધિકારીઓ અને નેતાઓ આ રસ્તા પરથી પસાર નથી થતા? કે પછી તેમને પ્રજાની કોઈ પરવા જ નથી? આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યાં સુધી તંત્ર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે નહીં, ત્યાં સુધી સામાન્ય પ્રજાએ આવી હાલાકીનો સામનો કરવો જ પડશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!