અંકલેશ્વર,
અંકલેશ્વર નગરપાલિકા અને ભરૂચ જિલ્લા સી.આર.એસ (જન્મ – મરણ) વિભાગ ધ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલી જુદી જુદી હોસ્પિટલોના ડોક્ટર અને તેઓના કર્મચારીઓને કે જે જન્મ – મરણની કામગીરી અપલોડ કરવાની કામગીરી કરતા હોય તેવા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.
સરકાર દ્વારા તા- ૧/૯/૨૦૨૫ થી જન્મ – મરણની એન્ટ્રી કરવા માટેનું નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવનાર છે.જેથી અંકલેશ્વર શહેરમાં આવેલ જુદી જુદી હોસ્પિટલો અને મેટરનીટી હોમમાં જે જન્મ – મરણની નોંધણી અંગેની એન્ટ્રી અપડેટ કરવા બાબતે ડોક્ટરો અને તેઓના કર્મચારીઓને નગરપાલિકાના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે સેમિનાર કક્ષમાં તાલીમ યોજવામાં આવી.જે હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવા માટેના કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના રજીસ્ટાર (જ.મ.) અને મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા,નગરપાલિકાના સબ રજીસ્ટાર (જ.મ.) અને સેનેટરી ઈન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા,ભરૂચ જિલ્લા સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સીસ્ટમ (સી.આર.એસ.) જન્મ – મરણ નોંધણી વિભાગના દિપાલી વશી અને પગ્નેશ શુક્લા સહિત સ્ટાફ હાજર રહેલા હતા.
નગરપાલિકાના રજીસ્ટાર (જ.મ.) અને મુખ્ય અધિકારી કોલડિયા દ્વારા જન્મ -મરણની અપડેટ કરવાની કામગીરી ચીવટ પુર્વક કરવા વિગતવાર જણાવ્યું હતું.
જન્મ – મરણ નોંધણી વિભાગના દિપાલી વશીએ ડોક્ટર અને તેઓના સ્ટાફને નવા સોફ્ટવેરમાં જન્મ અને મરણની એન્ટ્રી કરવા અંગે અરજદારના કયા ડોક્યુમેન્ટને અપલોડ કરવાની સિસ્ટમ વિગતવાર સમજાવવામાં આવી હતી. જેના લીધે નવા જન્મ મરણના દાખલા પણ ઓન લાઈન મેળવી શકશે.જે તે હોસ્પિટલમાં જન્મ કે મરણ થાય તો તેની વિગતો અપડેટ કરવાની કામગીરી જે તે હોસ્પિટલ દ્વારા ભુલ કર્યા વગર સમય મર્યાદામાં પુર્ણ કરવા અંગે પણ તાકીદ કરવામાં આવી હતી.




