– રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહે લાલ ટાવરની મુલાકાત લીધી
– કઠેરા જર્જરિત થયા,ઘાસ ઉગી નીકળ્યું, અંદર જઈ શકાય નહીં એવી હાલત,કબૂતરોએ માળા બનાવ્યા છે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલાની આન બાન અને શાન કહી શકાય એવા રાજા રજવાડા વખતની રાજપીપલાની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઈમારત “ધ સીવન મેમોરિયલ ક્લોક ટાવર” જેને લોકો લાલ ટાવર ના નામથી ઓળખે છે.જેની દુર્દશાથી રાજવી પરિવાર ખીન્ન થયો છે.રાજપીપલા પરિવારના સદસ્ય અને ઇન્ટેક ચેપટર કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા ઈન્ટેક ચેપટર નર્મદાના સહ કન્વીનર વિરાજબા જાડેજા તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
આ ઈમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેમારાં પૂર્વજોના સમયની રાજા રજવાડા વખતની આ 150 વર્ષ પુરાણી ઐતિહાસિક ઈમારત છે.એનું અસલી નામ “ધ સીવન મેમોરિયલ ક્લોક ટાવર” છે.એ જમાનામાં જયારે ઘડિયાળો નહોતી ત્યારે લોકોને સમયની જાણ થાય એ માટે આ ટાવર જનતા માટે બનાવાયું હતું.પરંતુ આ ઈમારત આજે જર્જરિત અવસ્થામાં છે.
ઘડિયાળનું મશીન બગડ્યું છે તેથી ઘડિયાળ બંધ હાલતમાં છે.ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે.ત્યારે આ ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે કામ કરતી સંસ્થા ઈન્ટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજુર થયેલ છતાં કોઈ સમાર કામ થયું ન હોવાથી તપાસ કરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી હતી.નગરપાલિકા સહીત કલેકટર નર્મદાને ઈન્ટેક ચેપટર નર્મદા દ્વારા ટાવરની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજુઆત કરશેએમ ઈન્ટેક ચેપટર ના વિરાજબા જાડેજા એ જણાવ્યું હતું.તો રાજપીપલા નગરપાલિકા વોર્ડ 5 ના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વખતોવખત જાળવણી સમારકામ થાય છે.હાલ ચોમાસામા ઘાસ ઊગી નીકળ્યું છે તે ચોમાસા પછી સાફ કરી દેવાશે. આ ઈમારત હેરિટેજ દરજ્જા ની હોઈ તેની ટેન્ડરીગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સી ને આપી શકાય નહીં આ કામને અમે બોર્ડમાં લીધેલું છે.ઐતિહાસિક ઈમારતનું સમારકામ કરી શકે એવી કંપની જયારે કામ કરવા તૈયાર થશે ત્યારે એને કામ સોંપીશું.




