ભરૂચ,
બુસા સોસાયટીમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. “આપણી બેટી આપણા આંગણે” અને “આપણું પરિવાર આપણા આંગણે” જેવા સંદેશ સાથે સમગ્ર સોસાયટીના પપ્પા–મમ્મી, ભાઈ–બહેન, બહેનપણીઓ, કાકા–કાકી દરરોજ એકત્રિત થઈ આનંદ અને ઉમંગપૂર્વક મા અંબાની આરાધના કરી રહ્યા છે.
દરરોજ સોસાયટીના મેદાનમાં ગરબા રમાતા હોય છે,જેમાં નાનાથી લઈને મોટાં સૌ સભ્યો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.ખાસ વાત એ છે કે જે સભ્યો સારા ગરબા રમીને સૌનું મન મોહી લે છે તથા ડ્રેસ કોડ મુજબ પરિધાન ધારણ કરે છે તેમને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવે છે.આથી ગરબા રમનારામાં વિશેષ જુસ્સો જોવા મળે છે.
સોસાયટીના વડીલો પણ આ ભવ્ય ગરબા મહોત્સવનો આનંદ માણે છે.તેઓ રોજ સાંજે બેસીને ગરબાની મઝા માણતા જોવા મળે છે, જે સમગ્ર પરિવારને એકતાની સાથે ઉત્સવ માણવાનો સંદેશ આપે છે.વિશેષરૂપે, આ ગરબા મહોત્સવમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના તથા દેશના અનેક ખૂણાઓમાંથી આવેલા લોકો – ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોના ભાઈ-બહેનો પણ જોડાઈને ગરબાની મજા માણી રહ્યા છે. આ બહુરંગી ભાગીદારી માત્ર આનંદ પૂરતું નહીં, પણ “ભારત દેશ એક છે” અને એના ઉત્સવો સૌ સાથે મળી ઉજવીએ તો અનેકતામાં એકતાનું જીવંત ઉદાહરણ બની રહે છે તેવો સંદેશ આપે છે.
તથા રોજના ગરબામાં સોસાયટીના દરેક સભ્યો માટે મફત નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનાથી મહોત્સવમાં ઉમંગ અને ઉત્સાહ વધારે છે.
આ રીતે બુસા સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ માત્ર ભક્તિનો જ નહીં પરંતુ પરિવાર, એકતા, રાષ્ટ્રની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને આનંદનો પણ પર્યાય બની ગયો છે.




