(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની વિચારધારાથી પ્રેરિત થઈને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે.આ કડીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 550થી વધુ કાર્યકર્તાઓએ AAPનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ વિશાળ જોડાણથી ડેડીયાપાડા તાલુકામાં AAPને મોટો ફટકો પડ્યો છે.ટીલીપાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મુખ્યત્વે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષા વસાવા સહિત તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ વસાવા અને તાલુકા ભાજપ મહામંત્રી રમેશ વસાવા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.તેમની આ વિકાસની નીતિઓ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારોમાં કરવામાં આવી રહેલી સક્રિય કામગીરી જોઈને કાર્યકર્તાઓ દિવસને દિવસે ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે.
આજે ટીલીપાડા ખાતે પણ આ જ વિચારધારાથી પ્રેરાઈને 550થી વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ઉપસ્થિત મહાનુભવોએ તમામ નવા જોડાનારા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને ઉમળકાભેર આવકાર આપ્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ આ તમામ કાર્યકર્તાઓનું ભાજપમાં જોડાવા બદલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જોડાણથી ડેડીયાપાડા તાલુકા અને નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું સ્પષ્ટ થાય છે.




