અંકલેશ્વરની ‘અલાઈવસ લાઈફસાયન્સ’ કંપનીમાં મંગળવારની સાંજે ભયંકર બ્લાસ્ટમાં ૧૦ કામદારો ઈજાગ્રસ્ત : સારવાર અર્થે સુરત ખસેડાયા

SHARE:

– કંપનીએ ગંભીર દુર્ઘટના દબાવવા માટે ઘાયલોને છૂપી રીતે સુરત ખસેડ્યા : તંત્ર અજાણ! ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી ક્યાં છે?

ભરૂચ,

ઔદ્યોગિક એકમોમાં સલામતી માટે થતી મોકડ્રિલ અને સલામતી માટે મોટી મોટી વાતો માત્ર કાગળ પર હોવાના વધુ એક ઘેરા આક્ષેપ વચ્ચે અંકલેશ્વર GIDCમાં આવેલી અલાઈવસ લાઈફસાયન્સ (Alives Lifescience) કંપની મંગળવાર ની સાંજે એક પ્રચંડ બ્લાસ્ટથી હચમચી ઉઠી હતી.આ ઘટનામાં ૧૦ જેટલા કામદારો દાઝી ગયા જેમાં બે કામદારો ગંભીર ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પરંતુ કંપની મેનેજમેન્ટે જે રીતે આ દુર્ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો છે તે ગુનાહિત બેદરકારીની હદ વટાવી હોય તેમ પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે.

અંકલેશ્વર GIDCમાં આવેલી અલાઈવસ લાઈફસાયન્સ (Alives Lifescience) કંપની મંગળવાર ની સાંજે એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.જેમાં ૧૦ જેટલા કામદારો દાઝી ગયા હતા.સ્થાનિક સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ પછી ગભરાયેલા મેનેજમેન્ટે પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરને જાણ કરવાનું ટાળ્યું હતું અને કંપનીએ તુરંત ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી અને સૌથી વધુ ગંભીર બે ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર મળે તે માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.ત્યાર બાદ બાકીના ૮ ઘાયલ કામદારોને પણ ગુપ્ત રીતે અન્ય વાહનો મારફતે સુરત અથવા અન્યત્ર ખસેડી દેવામાં આવ્યા હતા.કંપનીનો સ્પષ્ટ ઈરાદો ‘સ્થળ પર કોઈ ઘાયલ નથી’ એવું ખોટું ચિત્ર ઊભું કરીને ગંભીર ફોજદારી કાર્યવાહીથી બચવાનો હતો.આ કૃત્ય માત્ર બેદરકારી નહીં,પણ પ્રાથમિક સારવારમાં વિલંબ કરીને હત્યાનો પ્રયાસ ગણી શકાય.

શ્રમજીવીઓના જીવ જોખમમાં મૂકનાર આવી કંપનીનું લાઈસન્સ રદ્દ કરવામાં આવે અને જવાબદારો સામે હત્યાના પ્રયાસ બદલ કેસ દાખલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કંપનીમાં બનેલ ગંભીર દુર્ઘટના છતાં કંપનીએ તંત્રને  કે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ (DISH) તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓને બેધ્યાન કર્યા હતા.

આ ગંભીર બ્લાસ્ટ અને ૧૦ કામદારો ઘાયલ થયા હોવા છતાં કંપની દ્વારા સ્થાનિક પોલીસ, GIDC, કે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી ન હોવાના આક્ષેપો છે.કંપનીના આ પગલાંએ સાબિત કર્યું છે કે તેમના માટે કામદારોનો જીવ નહીં,પરંતુ માત્ર નફાનું રક્ષણ કરવું અગત્યનું છે.આ પ્રકરણમાં ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ.આ ઘટના માત્ર અકસ્માત નહીં, પરંતુ કંપનીની બેદરકારી અને કાયદાના ઉલ્લંઘનનો મામલો છે.સવાલ એ છે કે શું આ કંપની નિયમિતપણે સુરક્ષા માપદંડોનું પાલન કરતી હતી? શું અધિકારીઓ માત્ર તપાસના નાટક કરીને કંપનીને છાવરી લેશે? રાજ્ય સરકારે તાત્કાલિક આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદાર મેનેજમેન્ટ અને નિયમોનું પાલન ન કરાવનાર સરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!