(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામમાં આવેલી કલારાણી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રામ પંચાયતના વિકાસના કામોની સમીક્ષા કરવા અને ગ્રામજનોના પ્રશ્નોને વાચા આપવા માટે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ ગ્રામસભામાં કલારાણી ગ્રામ પંચાયતના સરપંચ,ઉપસરપંચ અને તલાટી કમ મંત્રી સહિત પંચાયતના સભ્યો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.વહીવટી તંત્રના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં જાગૃત ગ્રામજનોની હાજરીથી સભાનું વાતાવરણ જીવંત બન્યું હતું.ગ્રામજનોએ તેમના દૈનિક જીવનને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.ગ્રામસભામાં મુખ્યત્વે ગામના વિકાસલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, તાજેતરમાં પંચાયત દ્વારા પૂર્ણ થયેલા અને પ્રગતિમાં રહેલા વિકાસના કામો, જેમ કે રસ્તા, પાણી પુરવઠા યોજના,ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામજનોને કામની ગુણવત્તા અને સમયસર પૂર્ણ કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી.
કલારાણી ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગ્રામસભાએ લોકશાહીનો પાયો છે અને ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનોનો સહકાર આવશ્યક છે. આ ગ્રામસભા ગામના વહીવટમાં પારદર્શિતા લાવવા અને ગ્રામજનોની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.




