(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે હાલમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવા આવેલા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓને ગ્રામજનોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગામ લોકોએ આ તબક્કે ભીંડોલને બદલે અન્ય ગામો જેમ કે પાણીબાર અને કલારાણી જેવા મોટા ગામોથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવાની માંગ સાથે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી હતી.
ભીંડોલ ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ તાત્કાલિક ધોરણે એકઠા થયા હતા અને MGVCLના અધિકારીઓ સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, તેઓ સ્માર્ટ મીટરનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ અમુક કારણોસર તેઓ ઇચ્છે છે કે આ પ્રોજેક્ટની શરૂઆત સૌપ્રથમ ભીંડોલ ગામની આસપાસ ઘણા મોટા ગામો આવેલા છે ત્યાંથી શરૂઆત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.આ રજૂઆત દરમ્યાન ગામ લોકોએ દલીલ કરી હતી કે સ્માર્ટ મીટરને લઈને અમુક ગેરસમજો અને મૂંઝવણ પ્રવર્તી રહી છે,જેને કારણે હાલમાં ભીંડોલમાં વિરોધનો માહોલ છે.તેઓ ઈચ્છે છે કે અન્ય ગામોમાં આ પ્રક્રિયા શરૂ થાય અને તેનો અનુભવ લોકો જુએ, ત્યારબાદ ભીંડોલમાં શાંતિપૂર્ણ રીતે કામગીરી શરૂ કરી શકાય.ગ્રામજનોના વિરોધ અને રજૂઆતને ધ્યાનમાં લઈને MGVCLના અધિકારીએ સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અધિકારીઓએ ભીંડોલના સરપંચ અને અગ્રણીઓને પાણીબાર અને કલારાણી સાથે જ ભીંડોલ ગામમાં એકસાથે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવાનું સૂચન કર્યું હતું. આ સૂચનનો હેતુ એ હતો કે ભીંડોલ ગામના લોકોની લાગણીઓ પણ સચવાય અને સરકારની સ્માર્ટ મીટર યોજનાનું અમલ પણ સમયસર શરૂ થઈ શકે. આ મામલે બંને પક્ષો વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે.હાલમાં ભીંડોલ ગામે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે વધુ મંત્રણા થવાની સંભાવના છે.




