ભરૂચના ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસનો પેરોલ જમ્પ કરેલ મુખ્ય આરોપી ૯ વર્ષ બાદ મોરબીથી ઝડપાયો

SHARE:

– હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબી પોલીસે ઓપરેશન પાર પાડ્યું

– આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા ૨૦૧૬ થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો

– કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવશે

ભરૂચ,

ભરૂચના ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા ૯ વર્ષ બાદ મોરબી માંથી ઝડપાયો છે. તે ૨૦૧૬ થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો.ભરૂચ એલ.સી.બી એ તેને પકડી પાડ્યો છે.

રાજ્યમાં પેરોલ અને ફર્લો જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી ભરૂચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.પી.વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.કે.ટોરાણીની ટીમને માહિતી મળી હતી કે ૨૦૧૩ માં થયેલા સુનિલ તાપીયાવાલા મર્ડર કેસનો આરોપી સચિન પંડ્યા ૨૦૧૬ માં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો.

આ માહિતીના આધારે, એલ.સી.બીની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી.મોરબીમાં સતત રેકી કર્યા બાદ પોલીસે આરોપી સચિન પંડ્યાને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવનાર છે.

વર્ષ ૨૦૧૩ માં ૧ જુલાઈના રોજ રાતે સુનીલ તાપીયાવાલાના ઘરનો ડોર બેલ વગાડી અંદર ઘુસેલા ૩ હત્યારાઓએ સુનિલની નિર્મમ હત્યા કર્યા બાદ તેમની પત્ની હિરવાને ગળામાં સ્ક્રૂ ડ્રાઈવર ઘુસાડી ૭૫,૦૦૦ ના દાગીનાની લૂંટ કર્યા બાદ બન્ને પુત્રીઓને ચપ્પુની અણીએ બાનમાં લઈ સોસાયટીઓના પાડોશીઓની નજર સામે જ ફરાર થઈ ગયા હતા.આ કેસમાં કોર્ટે મૃતક સુનિલના સાઢુ સચિન શાહ સહિત ૨ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!