ભરૂચ,
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સહયોગથી યુવાનોમાં દેશપ્રેમ,પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવ ઉભું કરવા માટે એક વિશાળ જાહેર એર શો નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ તેમજ આકાશગંગા સ્કાઈડાઈવિંગ ટીમનું જીવંત એર શો પ્રદર્શન ગુજારાત રાજ્યમાં પ્રથમ જાહેર એર શો હશે!
ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) વિશે માહિતગાર કરવાની વિશેષ પહેલ પણ કરવામાં આવી રહી છે.વિશેષ નોંધનીય છે કે ૭ ડિસેમ્બરનો દિવસ ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ (Armed Forces Flag Day) તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દેશના સૈનિકો,ભૂતપૂર્વ સૈનિકો તથા શહીદ વીર જવાનોને સન્માન આપવાનો છે। આવા પવિત્ર દિવસના અવસર પર આ એરશોનું આયોજન રાષ્ટ્રીય ભાવનાને વધુ ગૌરવ પ્રદાન કરશે.
સારંગ – આકાશગંગા એર શો તા.૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૫ (શનિવાર અને રવિવાર) ના રોજ અંકલેશ્વર એરપોર્ટ સાઈટ, NH-48, માંડવા ખાતે સવારે ૯:૩૦ વાગ્યેથી શરૂ થશે.જેમાં રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલ શો ૯:૩૦ થી ૧૦:૪૫ યોજાશે ત્યાર બાદ આકાશગંગા સ્કાઈડાઈવિંગ ટીમ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ ૧૧ થી ૧૧:૩૦ સુધી યોજાનાર છે.સારંગ ટીમ વિશ્વની માત્ર પાંચ સૈનિક હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે,જ્યારે આકાશગંગા સ્કાઈડાઈવિંગ ટીમ ભારતીય વાયુસેના દ્વારા હવાયુદ્ધ કૌશલ્ય,શિસ્ત,બહાદુરી અને ટેક્નિકલ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોના ગૌરવ, સમર્પણ અને ક્ષમતાનો જીવંત સ્વરૂપ હશે.
કાર્યક્રમ સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા યુવાનોને ડિફેન્સ કારકિર્દી અને NDA પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.NDA વિશ્વપ્રસિદ્ધ સંસ્થા છે,જ્યાંથી ભારત માટે આર્મી, નેવી અને એરફોર્સના યુવા અધિકારીઓ તૈયાર થાય છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર અને ફ્લાઈંગ ઓફિસર નંદિની ખાસ હાજર રહ્યા હતા.સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દેવાંગ ઠાકોર તથા ભરૂચ સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીવરાજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.જેમણે આ કાર્યક્રમને ભરૂચ–અંકલેશ્વર માટે ઈતિહાસ રચનાર ક્ષણ ગણાવી હતી.
આ કાર્યક્રમ સર્વજન માટે ખુલ્લો છે અને તેનો હેતુ યુવાનોમાં દેશપ્રેમ જગાવવો, રાષ્ટ્રીય સેવાના અવસરોથી માહિતગાર કરવો અને ભરૂચ – અંકલેશ્વર વિસ્તારને એક યાદગાર હવાઈ પ્રદર્શનનો અનુભવ કરાવવાનો છે.
ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ,માતાપિતા,શૈક્ષણિક સંસ્થાઓ અને એવિએશન રસિયાઓને આ અનોખો કાર્યક્રમ જોવા હાર્દિક આમંત્રણ છે!




