ઝઘડિયાના ભાલોદ ગામે નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

SHARE:

– બન્ને પક્ષે સામસામે થયેલ પોલીસ ફરિયાદમાં  કુલ મળીને ચાર મહિલાઓ સહિત કુલ ૭ સામે ગુનો નોંધાયો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે બે પરિવારો વચ્ચે નજીવી બાબતે થયેલ ઝઘડામાં સામસામે થયેલ પોલીસ ફરિયાદમાં બન્ને પક્ષે ચાર મહિલાઓ સહિત કુલ ૭ સામે ગુનો નોંધાયો હતો.

આ અંગે ભાલોદના સમસાદબેન અબ્દુલહલિમ શેખે રાજપારડી પોલીસ મથકમાં  ફરિયાદ લખાવી હતીકે તેઓ એક વર્ષ પહેલા ગામના અલોકદત્તસિંહ બારોટના ઘરે કચરાપોતા તેમજ વાસણ સાફ કરવાનું કામ કરતા હતા.પાંચેક મહિના કામ કરીને તેમણે આ કામ છોડી દીધું હતું.ત્યાર બાદ હાલ ગત તા.૩૦ મી નવેમ્બરના રોજ રાતના નવ વાગ્યાના સમયે તેઓ ઘર બહાર ઓટલા પર બેઠા હતા.તે દરમ્યાન આલોકદત્તસિંહ બારોટ ત્યાંથી પસાર થતા હતા. તેઓ સમસાદબેનને ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા,અને ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને જતાંજતાં જોઈ લેવાની ધમકી આપતા હતા.ત્યાર બાદ સમસાદબેને આલોકદત્તસિંહના કાકાના દિકરા યુવરાજસિંહ બારોટને આ બાબતની જાણ કરી હતી. યુવરાજસિંહે જણાવેલ કે તેઓ આલોકદત્તસિંહને સમજાવશે. સમસાદબેને પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ત્યારબાદ આલોકદત્તસિંહે મારામારીના આ બનાવને ઢાંકવા તેમની પત્ની દ્વારા ખોટી રીતે પોલીસ ફરિયાદ અપાવી હતી.

પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ આલોકદત્તસિંહે સમસાદબેનની દિકરીને બ્યુટી પાર્લરના કામના મળતા ઓર્ડર પણ બંધ કરાવી દીધા હતા.ઘટના સંદર્ભે સમસાદબેને આલોકદત્તસિંહ ઉપેન્દ્રસિંહ બારોટ વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. જ્યારે સામાપક્ષે આલોકદત્તસિંહની પત્ની ધરતીબેન બારોટે રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગત તા.૩૦ મી નવેમ્બરના રોજ રાતના સવા નવ વાગ્યાના સમયે ધરતીબેનના પતિ આલોકદત્તસિંહ એક દુકાનના ઓટલા પર બેઠા હતા તે દરમ્યાન ફળિયામાં  રહેતા સમસાદબેન અને તેમની દિકરી ત્યાં આવ્યા હતા અને સમસાદબેન કહેવા લાગેલ કે મારી દિકરી બ્યુટી પાર્લર ચલાવે છે તે તમને ગમતું નથી,તેમ કહીને ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા.ત્યાર બાદ બીજા દિવસે સવારના દસેક વાગ્યાના સમયે ગામના યુવરાજસિંહ બારોટે   સમસાદબેન તેમની દિકરી અને બહેન મુન્નીબેનને આલોકદત્તસિંહ બારોટ વિરૂધ્ધ ચઢાવ્યા હતા,અને ત્યારબાદ આ લોકોએ ધરતીબેન અને આલોકદત્તસિંહને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઝઘડામાં અન્ય લોકોએ દરમિયાનગીરી કરીને ઝઘડો શાંત પાડ્યો હતો.ત્યાર બાદ યુવરાજસિંહે આલોકદત્તસિંહની બહેનને ફોન કરીને તારા ભાઈને સમજાવી દેજે એમ કહીને ધમકી આપી હતી.એવો આક્ષેપ  પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. આ બાબતે ધરતીબેન આલોકદત્તસિંહ બારોટે યુવરાજસિંહ બારોટ, ભાવિકાબેન બારોટ,સમસાદબેન, સમસાદબેનની દિકરી,સમસાદબેનનો દિકરો રિયાઝ તમામ રહે.ભાલોદ તા.ઝઘડિયા તેમજ સમસાદબેનની બહેન મુન્નીબેન રહે.રૂંઢ કસ્બા તા.ઝઘડિયાના વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!