– ત્રીજા માળેથી પડેલા બિહારના યુવાન શ્રમિકનું મોત અકસ્માત કે હત્યા? પોલીસ તપાસની માંગ ઉઠી
ભરૂચ,
વાગરાની હનુમાન ચોકડી ખાતે આવેલ ખુશ્બુ કોમ્પલેક્ષમાં એક પરપ્રાંતીય શ્રમિકનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કામકાજ અર્થે આવેલા બિહારના ૨૦ વર્ષીય મોનુ કુમાર ઉર્ફે પપ્પુ મંડલ જે ત્રીજા માળે આવેલા તેના રહેણાક રૂમની ગેલેરી માંથી કોઈ અગમ્ય કારણસર નીચે પડ્યો હતો.નીચે પડતાં જ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે પડ્યો,ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈ પ્રકારનો ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે નહીં,તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ભૂતકાળમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા હોવાને કારણે આ ઘટનાને માત્ર અકસ્માત ગણીને બંધ કરી દેવા સામે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.આથી આ બનાવ પાછળ કોઈ ગુનાહિત તત્વ સંડોવાયેલું છે કે કેમ? તે જાણવા માટે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે.
હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવી રહી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના અકસ્માત હતી કે પછી એક ગંભીર ગુનાનો પર્દાફાશ થવાનો છે.આ હાલ અનેક અણઉકેલાયેલા પ્રશ્નો ઊભા થયા છે.યુવકનું મોત અકસ્માત છે, કોઈ પૂર્વયોજિત હત્યા છે કે પછી તેણે આત્મહત્યા કરી છે?તે અંગે સ્પષ્ટતા ન થતા મામલો શંકાના ઘેરામાં આવ્યો છે.ઘટના સ્થળની પરિસ્થિતિ, મૃતકની સ્થિતિ અને પરિસ્થિતિના સંકેતોને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તમામ દિશાઓથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે,ત્યારે સાચી હકીકત બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.




