(સંજય પટેલ,જંબુસર)
જંબુસર વિરોધ પક્ષ નેતા શાકીર મલેકની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં શહેર પ્રમુખ ઈરફાન પટેલ, યુસુફખા પઠાણ, મુસ્તાકભાઈ કારભારી, ઈસ્માઈલભાઈ રામદેવ, કાદર બેગ મિર્ઝા,સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે જબુસરમાં મુસ્લિમ મતદારોને નિશાન બનાવી વાંધા અરજીઓ કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં ખાસ મતદારયાદી સુધારણા બાદ હવે મુસદ્દા મતદારયાદી જાહેર કરવામાં આવી છે.જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં મુસ્લિમ મતદારોના નામ ઈરાદાપુર્વક કમી કરવામાં ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.
વિપક્ષ નેતાના જણાવ્યા પ્રમાણે, હાલમાં ફોર્મ નંબર ૭ દ્વારા દાખલ કરાયેલી કેટલીક વાંધા અરજીઓમાં કોઈ કારણ, લોજિક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.આ વાંધા અરજીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રજૂ કરાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન મુજબ, જો કોઈ મતદાર વિરુદ્ધ વાંધો નોંધાવવો હોય તો યોગ્ય અને માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવું ફરજિયાત છે, જે આ અરજીઓમાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં
આવ્યો છે કે મતદાનનો અધિકાર લોકતંત્રનો આધારસ્તંભ છે અને તે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને મળેલો મૂળભૂત અધિકાર છે.કોઈપણ વ્યક્તિનો મતાધિકાર મનમાની રીતે દૂર કરી શકાય નહીં.જો કોઈ મતદાર સામે વાંધો હોય તો સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયા મુજબ મતદારોને નોટિસ આપવી,તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો માંગવા અને કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ. તેવી જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ અગ્રણીઓએ માગ કરી છે.આવેદનપત્ર આપવા મુસ્લિમ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




