– કલેક્ટર કચેરીમાં જવાના પ્રયાસ કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો
– ઈન્ચાર્જ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ દરમ્યાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ચૂંટણી પંચ દ્વારા SIR સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે.અંતર્ગત ભરૂચ જીલ્લામાં ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદી માંથી કાઢી નાંખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરતા માહોલ ગરમાયો હતો અને કલેક્ટર કચેરીમાં રજૂઆત અર્થે પહોંચતા જ પોલીસે અટકાવતા કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.હાય રે ભાજપ હાય હાય,જવાબદારો સામે કાર્યવાહી,વોટ ચોર ગદ્દી છોડના નારા લગાવતા માહોલ ગરમાયો હતો.આ દરમ્યાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી અને પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.આ બાદ પોલીસ દ્વારા ઈન્ચાર્જ નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ ને રજૂઆત કરવા જવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના ભરૂચ જીલ્લાના પ્રભારી મનહર પરમાર,ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવકતા નાઝુ ફડવાલા,વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,ભરૂચ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અભલી,આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર પટેલ,પીસીસી ડેલીગેટ ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ભરૂચ જીલ્લાની પાંચેય વિધાનસભામાં અંદાજિત ૯૦ હજાથી વધુ મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી હતી.ચૂંટણી પંચ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.




