ભરૂચ,
આમોદ તાલુકાના વિવિધ ગામના ખેડૂતોએ આજ રોજ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી પાવરગ્રીડ કંપની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોની સંમતિ લીધા વગર જ તેમની માલિકીની જમીનમાં આડેધડ ખોદકામ કરી ટાવર ઉભા કરવાની કામગીરી શરૂ કરવામા આવતા ખેડૂતો રોષે ભરાયા હતા.તેમજ વિરોધ કરનાર ખેડૂતોને પોલીસની ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા પાવરગ્રીડ કંપની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ખેડૂતો પર દમન ગુજારવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી દાદાગીરી સાથે ખેડૂતોની જમીનમાં હાઈ ટેન્શન ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તથા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી હતી ત્યારે તેમને ખાતરી આપવામાં આવી હતી કે ખેડૂતોને વળતર મળ્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવશે.પરંતુ કોઈપણ જાતની ચર્ચા કે વળતર ચૂકવ્યા વગર જ પાવરગ્રીડ કંપની તરફથી કામગીરી શરૂ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.જેથી ખેડૂતોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે પાવરગ્રીડ કંપની કામ બંધ નહીં કરે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને કોઈ અશાંતિ ફેલાશે તો તંત્રની જવાબદારી રહેશે.ત્યારે આવનારા દિવસોમા ખેડૂતોનું આંદોલન વધુ વ્યાપક બનશે તેમ જણાઈ રહ્યું છે.




