– વિદ્યાર્થીઓમાં સલામતી, આપત્તિ વ્યવસ્થાપન અને ઈમરજન્સી સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
ભરૂચ,
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૨૭ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ દરમ્યાન જિલ્લામાં વ્યાપક સ્તરે શાળા સલામતી સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહ દરમ્યાન જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આગ સલામતી, આપત્તિ વ્યવસ્થાપન, પ્રથમ સારવાર, બાળ સુરક્ષા, ૧૦૮ ઇમરજન્સી સેવા, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને સંકટ સમયે કેવી રીતે સલામત રહેવું,આપત્તિ સમયે યોગ્ય પ્રતિભાવ આપવો તથા ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું.
“શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત ફાયર વિભાગ, ૧૦૮, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, એનજીઓ તેમજ સંબંધિત વિભાગોના સહયોગથી મૉક ડ્રિલ, ડેમોન્સ્ટ્રેશન, પ્રેઝન્ટેશન અને સંવાદાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જિલ્લાની તમામ શાળાઓમાં પ્રતિકાત્કમ કાર્યક્રમોમ દ્વારા વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ, આત્મવિશ્વાસ અને સંકટ સમયે સમજદારીપૂર્વક વર્તવાની ક્ષમતા વિકસે તે હેતુથી સમજ આપવામાં આવી રહી છે.સાથે જ શાળાઓમાં સુરક્ષિત અને સજાગ વાતાવરણ નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં સંબંધિત વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.




