– ત્રણ દિવસની મુદત બાદ ગમે ત્યારે ગેરકાયદે દબાણો ઉપર આમોદ પાલિકાનું બુલડોઝર ફરી વળશે
આમોદ,
જંબુસરના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીની હાજરીમાં આજ રોજ આમોદ નગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ તેમજ આમોદ નગરમાં ગેરકાયદેસર દબાણો ઉપર માર્કિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેથી આમોદ નગરમાં ગેરકાયદેસર દબાણ કર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
આમોદ નગરમાં વ્યાપેલા ગેરકાયદેસર દબાણોથી ટ્રાફિકની મોટી સમસ્યા ઉદભવી હતી.જે બાબતે તંત્ર દ્વારા અનેક વખત માર્કિંગ કરી દબાણો તોડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ રાજકીય દબાણોને કારણે વશ થઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરતું નહોતું.ત્યારે આજ રોજ જંબુસરના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર ૧૩.૭૧ મીટર તથા નગરપાલિકાની ૪ મીટરની જગ્યા સાથે રેખા દોરી માર્કિંગ કરવામાં આવ્યા હતા.જે કાર્યવાહીમાં આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી જયમીન શાહ, સિટી સર્વે અધિકારી,નગરપાલિકા ઇજનેર હાજર રહ્યા હતા અને આમોદના મુખ્ય ચાર રસ્તાથી લઈને તિલક મેદાન સુધી ગેરકાયદેસર દબાણોની માપણી કરવામાં આવી હતી.
ગેરકાયદેસર દબાણોના માર્કિંગ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.કરમટીયા સાથે પોલીસ જવાનોનો મોટો કાફલો સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો.ત્યારે પાલિકાની માર્કિંગની પ્રક્રિયા સાથે જ દબાણ કર્તાઓએ સ્વેચ્છાએ દબાણો તોડવાની પણ શરૂઆત કરી દીધી હતી.
આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે ૩ જી ફેબ્રુઆરી સુધીમાં દબાણ કર્તાઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરી દેવા નહીંતર માર્કિંગ કરેલા દબાણો ઉપર પાલિકાનું બુલડોઝર ફરી વળશે.




