વલસાડ,
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા દ્વારા મિલકત સંબંધી વાહન ચોરીના વણ શોધાયેલા ગુના શોધી કાઢવા સૂચના આપેલ જે આધારે વલસાડ સીટી પી.આઈ ડી ડી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી એચ રાઠોડ તથા એચ કે રાઠોડ દ્વારા વાહનચોરીના ગુનામાં પકડાયેલ આરોપી સરફરાજ મિયા ઉસ્માન ગુલામ હુસૈન પાંડોલિયા રહે. ડોરીયાવાડ, સલાબતપુરા સુરતની યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરી વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી, ભરૂચ, વડોદરા, સુરત ગ્રામ્ય તથા પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લા માંથી આરોપી દ્વારા વાહનો ચોરી કરેલ હોવાની પ્રાથમિક વિગતો મેળવવા સફળ રહેલ, જે આધારે આરોપી મોહમ્મદ ઈસ્માઈલ નૂર મોહમ્મદ મુસાજી રહે. સલાબતપુરા, મોમનાવાડ, સુરતની ધરપકડ કરેલ અને જાણવા મળેલ કે સરફરાજ વાહન ચોરી કરતો અને ઈસ્માઈલ મુસાજી સુરતના અમીરસ ઉર્ફે અજય રાણા પાસે રૂપિયા 3500 થી 4,000 માં આરસીબુક બનાવડાવી અલગ અલગ જગ્યાએ વાહન વેચી દેતો હતો. આ ગેંગ મુસાજી ગેંગ તરીકે ઓળખાય છે. અને આ પૈસા તમામ સરખે ભાગે વહેંચી લે છે.તેઓની પાસેથી મળેલ માહિતી અને ડેટા આધારે તેઓની પાસેથી કુલ પંદર ચોરીના વાહનો તથા બનાવટી આરસીબુકો રિકવર કરી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના 15 ગુનાઓ શોધી કાઢી મુસા ગેંગના સાગરીતોને ઝડપી પાડવામાં વલસાડ સીટી પોલીસને સફળતા મળેલ છે. એક આરોપી અમીરસ ઉર્ફે અજય ચંદ્રકાંતભાઈ રાણા રહે મહાદેવ શેરી, રુદ્રપુરા, સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.




