અમરેલી,
રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના પ્રયાસોથી ‘જ્યોતિગ્રામ યોજના’ હેઠળ આ છેવાડાની વસાહત ઝળહળી ઉઠી છે. પેઢીઓથી અંધકારમાં જીવતા પરિવારોના જીવનમાં આવેલો આ ઉજાસ વિકાસની નવી ગાથા આલેખી રહ્યો છે.
સુડાવડ ગામથી માત્ર એક કિલોમીટર દૂર વસતા દેવીપૂજક અને માલધારી સમાજના પરિવારો માટે આ ક્ષણ ઐતિહાસિક છે. વર્ષોથી દસ્તાવેજોની ગૂંચમાં અટવાયેલા આ ૧૫ ઘરોમાં મંત્રીશ્રીની સૂચનાથી ગણતરીના દિવસોમાં જ વીજ જોડાણ આપવામાં આવ્યું છે. ૪૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ હવે અહીં આશાનો પ્રકાશ રેલાયો છે.
વસાહતના ઘરોમાં હવે લાઈટ, પંખા અને ટીવી શરૂ થયા છે. ગૃહિણીઓને દૂધ અને અન્ય ખાદ્યસામગ્રી સાચવવા ફ્રીજની સુવિધા પણ મળી છે. સ્થાનિક સરપંચનું સતત ફોલોઅપ અને સરકારની ત્વરિત કામગીરીને પરિણામે, આ પરિવારો હવે વન્ય પ્રાણીઓના ભયમુક્ત અને આધુનિક સુવિધાયુક્ત જીવન જીવી શકશે.
અત્યાર સુધી દીવાના આછા પ્રકાશમાં ભણતા બાળકો હવે વીજળીના અજવાળે પોતાનું ભવિષ્ય ઘડશે. આઝાદીના દાયકાઓ બાદ મળેલો આ ઉજાસ સુડાવડના આ પરિવારો માટે માત્ર સુવિધા જ નહીં, પણ પ્રગતિનું સાચું કિરણ સાબિત થયો છે.




