વાગરાની જુંજેરા શાળામાં શિક્ષણ જગતનો નવતર પ્રયોગ : માતાઓએ વર્ગખંડ સંભાળીને અનુભવ્યો ગુરુનો મહિમા

SHARE:

ભરૂચ,
વાગરા પંથકમાં શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને સરાહનીય પહેલ જોવા મળી છે.વાગરાના આસમા પાર્ક-૩ સ્થિત શ્રી ગણેશ સેવા સમાજ સંઘ દ્વારા સંચાલિત જુંજેરા પ્રાથમિક ગુજરાતી માધ્યમ શાળામાં ONE DAY MOTHER IS A TEACHER (એક દિવસ માટે માતા શિક્ષિકા બને છે) કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વર્તમાન સમયના આધુનિક શિક્ષણ યુગમાં વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો ત્રિવેણી સંગમ વધુ ગાઢ બને તેવા ઉમદા હેતુસર શાળાના ટ્રસ્ટી મંડળ,આચાર્ય અને શિક્ષકગણ દ્વારા આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિશુ-૧ અને ૨, બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓની માતાઓને આમંત્રિત કરવામાં આવી હતીમાતાઓએ ખૂબ જ ઉત્સાહભેર આ પડકાર સ્વીકાર્યો હતો અને એક દિવસ માટે શિક્ષિકા બનીને વર્ગખંડનું સંચાલન કર્યું હતું. બ્લેકબોર્ડ પર લખવાથી લઈને બાળકોને શિસ્તમાં રાખવા સુધીની તમામ જવાબદારીઓ માતાઓએ નિભાવીને ગર્વની લાગણી અનુભવી હતી.
આ એક દિવસીય શૈક્ષણિક પ્રયોગ માતાઓ માટે આંખ ઉઘાડનારો બની રહ્યો હતો.કાર્યક્રમ બાદ માતાઓએ પોતાના પ્રતિભાવ આપતા સ્વીકાર્યું હતું કે, ઘરની ચાર દીવાલો વચ્ચે પોતાના એક કે બે બાળકને સાચવવા અને શાળાના વર્ગખંડમાં અનેક બાળકોને એકસાથે સાચવવા તથા શિક્ષણ આપવું, એ બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. તેમણે અનુભવ્યું કે શિક્ષકનું કાર્ય ખરેખર ખૂબ જ અઘરું છે અને તેમાં અપાર ધીરજની જરૂર પડે છે. આ કાર્યક્રમ થકી એ સાબિત થયું કે જ્યારે વાલી અને શિક્ષક વચ્ચેનો સંબંધ મજબૂત બને, ત્યારે જ બાળકનો માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ જીવનલક્ષી અને વ્યક્તિત્વ વિકાસ શક્ય બને છે. કાર્યક્રમના અંતે તમામ માતાઓએ પોતાના આ એક દિવસના ખટામીઠા અનુભવો રજૂ કર્યા હતા.આ પ્રસંગની ગરિમા વધારવા માટે વાગરા બી.આર.સી. કો-ઓર્ડિનેટર ખ્યાતિબેન મહેતા, સી.આર.સી. શરદચંદ્ર તથા ઈમરાનભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે વાગરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેને અન્ય શૈક્ષણિક કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં શાળા પરિવારને પોતાનો પ્રેરણાદાયી સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો. શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!