વાગરા કોર્ટનો સીમા ચિહ્નરૂપ ચુકાદો : મકાન હરાજીના ચેક રિટર્ન કેસમાં ૧૧ માસમાં ચુકાદો આપી આરોપીને ૨ વર્ષની કેદ અને ૨૭.૧૧ લાખના વળતરનો હુકમ

SHARE:

ભરૂચ,
ન્યાયતંત્રમાં કેસો વર્ષો સુધી ચાલતા હોવાની સામાન્ય માન્યતા વચ્ચે વાગરા કોર્ટે એક ઉદાહરણરૂપ કિસ્સામાં વીજળીક વેગે ન્યાય આપીને માત્ર ૧૧ મહિનામાં મહત્વનો ચુકાદો આપ્યો છે.
વાગરાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર. સી.સોઢા પરમારની કોર્ટે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.આ કેસની સૌથી નોંધપાત્ર બાબત તેની ઝડપી સુનાવણી છે.આ ફોજદારી કેસ તારીખ ૦૬/૦૩/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ તારીખ ૦૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી ફેંસલો સંભળાવ્યો હતો. આમ, કોર્ટે રેકોર્ડબ્રેક સમયમાં એટલે કે માત્ર ૧૧ માસ અને ૧ દિવસના ટૂંકા ગાળામાં કેસનો નિકાલ કરી ફરિયાદીને ન્યાય અપાવ્યો છે.
કેસની હકીકત મુજબ, ફરિયાદી પટેલ મોહસીનભાઈ ઈસ્માઈલભાઈ (રહે. કોલવાણા, તા. આમોદ) એ આરોપી નરેન્દ્રકુમાર ચીમનભાઈ સોલંકી (રહે. ભોલાવ, ભરૂચ), જેઓ એન.પી.એ. ફાઈનાન્સીયલ સર્વિસમાં એજન્ટ હતા, તેમની પાસેથી હરાજીમાં એક મકાન ખરીદ્યું હતું.ફરિયાદીએ મકાન પેટે કુલ ૨૬,૭૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ આરોપીએ તે મકાન અન્યને વેચી દીધું હતું. આ રકમ પરત કરવા આરોપીએ આપેલો ૨૭,૧૧,૦૦૦ રૂપિયાનો ચેક ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત ફર્યો હતો.કોર્ટે આરોપી નરેન્દ્રકુમાર સોલંકીને કસૂરવાર ઠેરવી ૨ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. વિશેષમાં, કોર્ટે હુકમ કર્યો છે કે આરોપીએ ફરિયાદીને ચેકની પૂરેપૂરી રકમ ૨૭,૧૧,૦૦૦ વળતર પેટે ૩૦ દિવસમાં ચૂકવી આપવી. અને જો આરોપી આ વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેમને વધુ ૬ માસની સાદી કેદ ભોગવવી પડશે.ચુકાદા સમયે આરોપી કોર્ટમાં ગેરહાજર હોવાથી કોર્ટે તેમની સામે બિનજામીનલાયક વોરંટ ઈશ્યુ કરવાનો પણ આદેશ આપ્યો છે. વાગરા કોર્ટના આ ત્વરિત ન્યાયે સમાજમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ કર્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!