ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની સંચાલકો દ્વારા કામદારોનું શોષણ થતું હોવાની બુમ

SHARE:

– સેઈન્ટ ગોબે ઈન કંપનીના સંચાલકો દ્વારા સ્થાનિક અને બહારના કામદારોમાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે કામદારોની હડતાળ
– કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરતા કામદારોનું પગાર બાબતે પણ શોષણ થતું હોવાના કામદારોના આક્ષેપથી ચકચાર
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં કેટલાક કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું શોષણ થતું હોવાની બુમો ઉઠવા પામી છે.આજરોજ જીઆઈડીસીની સેઈન્ટ ગોબેઈન કંપનીના કામદારોએ કંપની બહાર હડતાળ પાડીને કંપની સંચાલકોની સંકુચિત નિતીનો ખુલ્લો વિરોધ કર્યો હતો. કંપનીમાં કામદારો સાથે કંપનીના મેનેજર કક્ષાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા વિવિધ બાબતોએ શોષણ થતું હોવાનો કામદારોએ આક્ષેપ કર્યો હતો.કામદારોના જણાવ્યા મુજબ કંપની મેનેજર દ્વારા સ્થાનિક અને બહારના કામદારો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે.ઉપરાંત કામદારોને કોઈ કારણોસર રજા જોઈતી હોય તો તેમાં પણ વહાલા દવલાની નિતી રખાતી હોય છે,કંપનીમાં કામ કરતા ઘણા કામદારો દુરના વિસ્તારમાંથી પણ આવતા હોય છે,બહારથી આવતા કામદારો સાથે રસ્તામાં કે કંપનીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેને માટે કામદારોને મેડિકલ વીમા જેવી સુવિધા આપવામાં આવે,તેવી પણ કામદારોએ માંગ કરી હતી.કંપનીમાં સ્થાનિક અને બહારના કામદારોમાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ સાથે કામદારોએ જણાવ્યું હતું કે અંકલેશ્વર થી આવતા કામદારોને આવવા જવા વિનામુલ્યે વાહનની સગવડ અપાય છે ત્યારે ઘણા સ્થાનિકોને આ સુવિધાથી વંચિત રખાય છે.કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવામાં પણ અન્યાય થતો હોવાનો આક્ષેપ કામદારોએ કર્યો હતો,જ્યારે કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરતા કામદારોનું પગાર બાબતે પણ શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. વળી કેટલાક સ્થાનિક કામદારોને અન્ય સ્થળોએ ફરજ પર જવા તેમને વિશ્વાસમાં લીધા વિના ટ્રાન્સફર લેટર આપી દેવાતા હોવાનું પણ જણાવ્યું હતું.ત્યારે જીઆઈડીસીમાં કામદારોનું જે રીતે શોષણ થઈ રહ્યું છે તે જોતા કામદારો જે આંદોલનનો આશરો લે છે તે યોગ્ય જ ગણાય. આજના મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ બે ટાઈમનું ખાવાનું કેવી રીતે મેળવવું તે પણ મુશ્કેલ બન્યું છે,ત્યારે જીઆઈડીસીની કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને વેતન આપવામાં જે કથિત અન્યાય થાય છે તે સહેજ પણ ચલાવી ના લેવાય.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!