– પ્રમુખે ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વિના મનસ્વી ખર્ચા પાડતા નાદુરસ્ત તબિયતનનું બહાનું બતાવી સભા મુલત્વી રાખી હોવાનો વિપક્ષનો આક્ષેપ
ભરૂચ,
આમોદ નગરપાલિકાના પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભા અને સામાન્ય સભા પોતે નાદુરસ્ત તબિયતને કારણે સભા મુલત્વી રાખી હોવાનું પાલિકા બહાર નોટીસ મારી જાણ કરી હતી. જેથી વિપક્ષી સભ્યો રોષે ભરાયા હતા.
આમોદ નગરપાલિકામાં આશરે ૧૧ માસના લાંબા સમયગાળા બાદ ખાસ સામાન્ય સભા ૧૦ ફેબ્રુઆરી ના બપોરે ૨ વાગ્યે અને સામાન્ય સભા બપોરે ૩ વાગ્યે પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી.જો કે ઓફિસ સમય દરમ્યાન નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર પ્રમુખ દ્વારા લેખિત સૂચના મુકવામાં આવી કે તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આજની ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
સામાન્ય સભાનો નિર્ધારિત સમય થતાં સત્તાધારી પક્ષના માત્ર એક સભ્ય બીજલ ભરવાડ તથા વિપક્ષના નવ સભ્યો હાજર જોવા મળ્યા હતા.જ્યારે સભાખંડ પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો તેમજ મુખ્ય અધિકારી પણ ગેરહાજર જોવા મળ્યા હતા.
સામાન્ય સભા રદ્દ થવા મુદ્દે વિપક્ષના સભ્ય શકીલ કાપડિયાએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના સભ્યો અને મુખ્ય અધિકારી દ્વારા થયેલા મનસ્વી ખર્ચાઓ અંગે ચર્ચા ટાળવા માટે બેઠક મુલતવી રાખવામાં આવી હતી.જેના કારણે નગરના વિકાસ કાર્યો પર અસર પડી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના એજન્ડામાં મહત્વના વિકાસલક્ષી મુદ્દાઓ સામેલ હતા.
આ બાબતે પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે હું આમોદ સરકારી હોસ્પિટલ ખાતે તબિયત નાદુરસ્ત હોવાને કારણે સારવાર હેઠળ છું જેથી આજની સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી હતી.અને ટૂંક જ સમયમાં નવી તારીખ જાહેર કરી સભા યોજવાની ખાતરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા છેલ્લા એક વર્ષથી ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વગર આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જેથી શાસક પક્ષના સભ્યો પણ પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય શાસક પક્ષના સભ્યો સામાન્ય સભા સ્થળે આવ્યા નહોતા.




