ભરૂચ,
આમોદ તાલુકાના કેરવાડા ગામ નજીક ગત રોજ રાત્રીના સમયે એક ઉભેલી ટ્રક પાછળ બાઈક સવાર ઘૂસી જતા વૃદ્ધનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું.મૃતકની લાશને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ તાલુકાના ઈટોલા ગામના ૬૨ વર્ષીય અબ્બાસ રહીમ જાદવ પોતાની મોટરસાયકલ લઈને કેરવાડા ગામે લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે કેરવાડા ગામે ગેબનશહીદ દરગાહ પાસે ટ્રક ચાલકે પોતાના કબજામાંની ટ્રક બેફીકરાઈ ભરી રીતે બંધ હાલતમાં સાઈડ લાઈટો ચાલુ રાખ્યા વગર તેમજ રોડ ઉપર સેફટી કોન મુક્યા વગર ઉભો રાખ્યો હોવાથી બાઈક ચાલક અબ્બાસભાઈ જાદવની મોટરસાયકલ ટ્રકના પાછળના ભાગે અથડાય જતા અક્સ્માત થતા અબ્બાસ જાદવને દાઢીના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું.
અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.જોકે વૃદ્ધ અબ્બાસ જાદવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેથી ઈટોલા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.આમોદ પોલીસે ટ્રક ચાલક કમલેશભાઈ મગનભાઈ કટારા રહે.હાથીયાવાન તા.લીમખેડા જી.દાહોદના સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.




